1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 2 મે 2023 (13:42 IST)

સુરતમાં એવો ચોર પકડાયો જે કાર ચોરી કરીને તેમાં જ સુઈ જતો હતો, વાહનચોરીના 31 ગુનાનો ભેદ ઉકેલાયો

car thief in Surat
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા વાહનચોરને ઝડપી પાડ્યો છે. ગુજરાત તથા મહારાષ્ટ્રના વાહનચોરી તથા કારના કાચ તોડી કિંમતી મુદ્દામાલની ચોરીના કુલ 31 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી બે ફોરવ્હીલ સહીત 11.35 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે ચોકબજાર વિસ્તારમાંથી જુનેદ ઉર્ફે બમ્બૈયા ઉર્ફે બાવા યુનુસ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૪ મોબાઈલ, બે ફોરવ્હીલ, 10 નંગ હાર્ડ ડિસ્ક, 11 પેન ડ્રાઈવ, 2 ફોરવ્હીલની ચાવી, 6 નંગ વાહનોની અસલ આરસી બુક, 6 નંગ ડ્રાઈવિંગ લાયસન્સ, 14 એટીએમ કાર્ડ, 4 પાન કાર્ડ, વગેરે મળી કુલ 11.35 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી મોર્નિંગ વોક ઉપર નીકળતા લોકો ઉપર નજર રાખી કારમાં ચાવી ભૂલી જતા હોય તેવી કાર ચોરી કરતો. પાર્ક કરેલી કારના કાચ સ્ક્રુ ડ્રાઈવર વડે તોડી તેમાંથી લેપટોપ, મોબાઈલ અને રોકડા રૂપિયા વિગેરે કિમતી સર સમાનની ચોરીઓ કરતો હતો તેમજ પોલીસ પકડી ન શકે તે માટે આરોપી છેલ્લા ત્રણેક વર્ષથી ચોરીઓ કરી અલગ-અલગ કારમાં સુઈ રહેતો હતો અને પોતાના ઘરે જતો ન હતો. હોટેલનો પણ તે ઉપયોગ કરતો ન હતો. આરોપી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા કોલકાતાની અલગ-અલગ દરગાહો ઉપર આશ્રય લેતો અને પોતાની ઓળખ છુપાવવા મોટા વાળ તેમજ દાઢી રાખી ફકીર જેવો વેશ ધારણ કરતો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછમાં વધુ સામે આવ્યું હતું કે, તેણે ભૂતકાળમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપર કાર ચડાવવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત ફોરવ્હીલમાંથી ચોરી કરેલા પર્સ, મોબાઈલ ફોનમાંથી મળેલા ATM, ડેબીટ કાર્ડનો પીન નબર તેના પર્સમાં શોધી તેમજ મોબાઈલ ફોનમાં ઓટીપી મેળવી પાસવર્ડ ચેન્જ કરી એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. આ ઉપરાંત વર્ષ 2019, 2020 ના વર્ષમાં મુંબઈ તેમજ થાણે વિસ્તારમાં થયેલી મેરાથોન દરમ્યાન તેણે 40 જેટલી કારના કાચ તોડી કીમતી સામાનની ચોરીઓ કરી હોવાનું બહાર આવ્યું હતું. ​​​​​​​

આરોપીની ધરપકડને પગલે સુરત, અમદાવાદ, વલસાડ, વડોદરા તેમજ મહારાષ્ટ્ર રાજ્યના અલગ-અલગ પોલીસ મથકમાં નોંધયેલા ગુના મળી કુલ 31 ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. વધુમાં આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે ભૂતકાળમાં અમદાવાદ, ગાંધીનગર તેમજ મુંબઈ મળી કુલ 15 ગુના નોંધાયેલા છે તેમજ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી ભુજ જેલમાં પાસા હેઠળ ધકેલાયો હતો.​​​​​​​ વધુમાં વર્ષ 2019-2020 માં મુંબઈ થાણે વિસ્તારમાં યોજાયેલી નાઈટ મેરાથોન દરમિયાન પાર્ક કરવામાં આવેલી 40 કારના કાચ તોડી કારોમાંથી કુલ્લે 30 લેપટોપ, 40 મોબાઈલ તથા રોકડા રૂપિયા 4 લાખ તેમજ 9.50 લાખના સોનાના દાગીનાની ચોરીની કબુલાત કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને વધુ ચોરીના ગુનાઓ ઉકેલાવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.