1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (10:16 IST)

વડોદરામાં ખ્રિસ્તી યુવકે હિન્દુ યુવતીને પ્રેમમાં ફસાવ્યા બાદ યુવતીને શરીર પર ચીરા મારવા મજબૂર કરી

વડોદરાના શ્રીમંત પરિવારની 23 વર્ષીય હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ખ્રિસ્તી યુવાને ઇમોશનલ બ્લેકમેઇલ કરી અંગત પળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી યુવતીને શરીર પર 250 જેટલા ચીરા મારવા મજબૂર કરી હતી. યુવતીને ભગાડી જઇ લગ્ન કર્યા બાદ મારઝૂડ કરી ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે યુવકની અટકાયત કરી હતી.

યુવતીના પિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ શહેરના છાણી કેનાલ પાસેની માંગલ્ય સોસાયટીમાં રહેતા ધોરણ 10 પાસ સેલ્વિન પાઉલ પરમાર નામનો યુવાન એ વિસ્તારમાં જ રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતી સાથે 2 વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યો હતો. તેને વાતોમાં ફોસલાવ્યા બાદ વારંવાર કોઈ ને કોઈ બહાને મળતો રહેતો હતો. સંપર્ક ઘનિષ્ઠ બનાવ્યા બાદ ભોળી યુવતીને યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ અંગત પળોના ફોટો અને વીડિયો યુવતીની જાણ બહાર ઉતારી લીધાં હતા. આ વીડિયો ઓનલાઇન મૂકવાની ધમકી આપી લગ્ન કરવા માટે દબાણ કરતો હતો તેમજ યુવતીને ઇમોશનલી બ્લેકમેઇલ કરી શરીર પર બ્લેડના ઘા મારવા મજબૂર કરતો હતો. યુવતી તેના કહ્યા મુજબ કરતી હતી. યુવતીને આપઘાત કરવા દુષ્પ્રેરણા આપતો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. યુવતીને યુવક લગ્ન માટે સતત દબાણ કરતો હતો, જેથી યુવતી લગ્ન કરવા માટે તૈયાર થઇ હતી. ત્યાર બાદ યુવતીને આણંદ ભગાડી ગયો હતો, જ્યાં તેની સાથે ચર્ચમાં લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ યુવતીને સેલ્વિનના પિતા પાઉલ પરમારે ખોટી લાલચ આપી સાસરીમાં રહેવા માટે મજબૂર કરી હતી. થોડા સમય બાદ યુવક સેલ્વિન, તેની નણંદ શ્વેતા અને પિતા પાઉલ પરમારે યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું તેમજ યુવતીને ઘરમાં ગોંધી રખાતી હોવાનો આક્ષૈપ પણ ફરિયાદમાં કરાયો હતો. યુવતીને રોજ મારઝૂડ થતી હોવાની પરિવારને જાણ થતાં તેને ઘરે લઇ આવ્યા હતા. એ બાદ હકીકત જાણીને આ અંગે યુવતીના પિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે સેલ્વિન પાઉલ પરમાર, શ્વેતા પાઉલ પમાર અને પાઉલ પમાર સામે ગુનો નોંધી યુવક સેલ્વિન પરમારની અટકાયત કરી હતી. યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ સોશિયલ મીડિયાથી સતત સંપર્કમાં રહેતો હતો. યુવતીના પરિવારે મોબાઇલ ચેક કરતાં એમાં યુવક સાથેનું ચેટિંગ મળી આવ્યું હતું, જેમાં યુવક તેને એક જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા પોતાના શરીર પર મારવાનું કહી તેના ફોટા સોશિયલ મીડિયા પર મગાવી પિશાચી આનંદ લેતો હતો.