સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 માર્ચ 2023 (14:26 IST)

અમદાવાદમાં સાસરિયાઓએ લગ્નનો ખર્ચ અને ઘર ચલાવવા પૈસા માંગતાં યુવકે આપઘાત કર્યો

આજના યુગમાં લગ્ન બાદ પરીણિતાને સાસરિયાઓ ત્રાસ આપતા હોવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. દહેજ અને પારિવારીક કંકાશને કારણે સંસાર તૂટવાની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે અમદાવાદમાં એક ઉલ્ટીગંગા જેવો કેસ સામે આવ્યો છે. જેમાં સાસરિયાઓના ત્રાસને કારણે યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વેજલપુરમાં રહેતા અક્ષયની સગાઈ શાહપુરમાં રહેતી પ્રિયંકા સાથે થઈ હતી. સગાઈ બાદ અક્ષયના સાસરિયાઓએ તેને પોતાના તરફી કરી લીધો હતો. જેથી તે સગાઈ બાદ સાસરીમાં જ રહેતો હતો. ત્યાર બાદ તેના લગ્ન સમાજના રીત રિવાજ પ્રમાણે થયા હતાં. તેની પત્ની પ્રિયંકા હાલમાં ગર્ભવતિ છે. લગ્નના 25 દિવસ બાદ અક્ષય તેની પત્ની સાથે પોતાના ઘરમાં રહેવા આવ્યો હતો. ત્યાર બાદ તે પોતાની સાસરીમાં પાછો જતો રહ્યો હતો. આ દરમિયાન કોઈ સંબંધીને ત્યાં જમવા જવાનું હોવાથી તેની માતાએ વ્યવહારિક વાત કરી હતી. જેને લઈને અક્ષયની પત્નીએ અક્ષય સાથે ઝઘડો કર્યો હતો. તેની પત્નીએ અક્ષયને તેના પિતા કે માતા સહિત કોઈની સાથે સંબંધ નહીં રાખવા દબાણ કર્યું હતું. તેમજ અક્ષયના સસરાએ લગ્નનો ખર્ચો પણ માંગ્યો હતો.તે ઉપરાંત તેની પાસે પ્રિયંકાના માતાપિતાનું પણ ભરણપોષણ કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું. તેને ધમકી આપવામાં આવતી હતી અને ગંદી ગાળો બોલીને મારઝૂડ પણ કરવામાં આવતી હતી. તેને તેના સંતાનનું મોઢું પણ નહીં બતાવા સુધી ધમકાવાતો હતો. ત્યારે એક વખત તે પોતાના સંબંધીને ત્યાં જઈને બધી હકિકત કહી હતી. ત્યારે તેની માતાએ સમજાવીને તેને પોતાના ઘરે બોલાવ્યો હતો. એક વખત તે નોકરી કરવા ગયો હતો. ત્યારે તેણે ફેમિલિના વોટ્સએપ ગ્રુપમાં આપઘાતના વીડિયો મુક્યા હતાં. આની ફરિયાદ તેના સંબંધીઓએ તેના માતા પિતાને કરી હતી. તેના માતા પિતાએ ફોન કરતાં તેણે ફોન ઉપાડ્યો નહોતો. જેથી તેના માતા પિતા તેની ઓફિસના સ્થળે ગયા હતાં. ત્યાં જ ખબર પડી હતી કે તેમના દીકરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનામાં અક્ષયના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં આપઘાત અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.