શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: બુધવાર, 22 ઑક્ટોબર 2014 (11:52 IST)

દિવાળીમાં કમળનાં ફૂલોથી માં લક્ષ્મીજીની પૂજા-આરાધનાનું મહાત્મ્ય

ઈશ્ર્વરની આરાધના બાદ ઈશ્ર્વરને ફળ અને ફૂલ ચઢાવવાની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં છે. ઈશ્ર્વરને તાજા ફૂલ ચઢાવવાનો હેતુ એટલે ચઢાવવામાં આવેલ ફૂલ જેવું ભક્તનું જીવન પણ તાજગી ભયુર્ં અને સુગંધિત રહે. એવી માન્યતા છે કે ઈશ્ર્વરની પૂજામાં ક્યારેય કરમાયેલા ફૂલ ચઢાવવામાં આવતા નથી. બજારમાંથી ફૂલ ખરીદ્યા હોય તેમાં પણ એકાદ ફૂલ ચીમળાયેલું કે ખરાબ દેખાય તેને બાજુ ઉપર કાઢી લઈએ છીએ. તેથી ઈશ્ર્વરની ભક્તિ કરતી વખતે પણ મનુષ્યએ યુવાનીમાં હોય ત્યારથી ભક્તિ શરૂ કરવી જોઈએ. ફળ સમર્પિત કરવા પાછળનું કારણ સ્વને ઈશ્ર્વરને સમર્પિત કરવી તેમ માનવામાં આવે છે. ધૂપ અને અગરબત્તીની સુવાસની જેમ જ ભક્તોનો ઈશ્ર્વર પત્યેનો પ્યાર નિમર્ળ રહે. ઈશ્ર્વરની પાસે દિપ પ્રગટાવીને આપણે તેના પ્રકાશ જેવી રોશની ભક્તના જીવનમાં અવિરત પ્રગટે તેવી કામના કરીએ છે.
 
કમળનું ફૂલઃ કમળના ફૂલને સૌથી પવિત્ર અને સુંદર માનવાનમાં આવે છે. વ્યક્તિએ કમળના ફૂલની જેમ પોતાના મનને સુંદર બનાવવું જોઈએ. કમળનું ફૂલ તળાવમાં કાદવ કિચ્ચડમાં ઉગે છે, છતાં પણ તે સુંદર જોવા મળે છે.
 
કમળને સાચા હૃદય અને આત્માનું પ્રતિક માનવામાં આવે છે. પુરાણોમાં કમળને ઉત્પત્તિનું ચિન્હ્ માનવામાં આવે છે. ભારત અને બાંગ્લાદેશનું રાષ્ટ્રીય પુષ્પ કમળ માનવામાં આવે છે. કમળ દેવીદેવતાઓને મનગમતું ફૂલ ગણાય છે. તેને દૈવીય ફૂલ માનવામાં આવે છે. કમળનું ફૂલ ભક્તોને પણ પસંદ છે. ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ પહેલાં શક્તિ પૂજા કરી હતી. દેવીને ૧૦૮ કમળના ફૂલ ચડાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે સમયે દેવીમાએ પોતાની શક્તિથી તેમને ચડાવવા માટે રાખવામાં આવેલ અંતિમ કમળના ફૂલને ગાયબ કરીને ભક્તની પરીક્ષા લેવાનું વિચાયુર્ં. રામને જ્યારે ચડાવવા માટેનું છેલ્લું ફૂલ મળ્યું નહીં ત્યારે ભગવાન રામને યાદ આવ્યું કે તેમની માતા રામને ‘રાજીવનયન’ એટલે કે કમળ જેવી આંખોવાળા કહીને બોલાવતી હતી. તેની યાદ તાજી થઈ ગઈ. ભગવાન રામ પોતાની આંખને બાણથી વિંધીને ચડાવવા માટે તૈયાર થઈ ગયા. તે સમયે મા પાર્વતી- શંકર સાથે સજોડે પ્રગટ થયા. દેવીનો જન્મ જ દાનવોના નાશ માટે થયો હતો. તેમને વરુણ દેવે શંખ અને કમળના ફૂલોની માળા ભેટ કરી હતી. જે તેઓ કાયમ પહેરીને રાખતા હતા. મા સરસ્વતી સફેદ કમળ પર બિરાજમાન છે. કમળને નારીની સુંદરતાનું પ્રતિક પણ માનવામાં આવે છે. આંખોની ઉપમા આપવા માટે કમળના ફૂલનું ઉદાહરણ આપવામાં આવે છે. સ્ત્રીના બહારના સૌદર્યંને નહી પણ તેના અંાતરિક રૂપ જેવા કે દયા, આત્મીયતા, સત્ય, સ્વચ્છ મન જેવી આદ્યાત્મિક બાબતોની ગણના કરવામાં આવે છે. ગીતામાં પણ જણાવવામાં આવ્યું છે કે માનવીએ મોહ-માયાથી એવી રીતે અલગ રહેવું જોઈએ કે જેવી રીતે કમળનું ફૂલ સરોવરમાં ખીલે છે. તેમ છતાં પાણીને સ્પર્શ પણ કરતું નથી. કીચડમાં ઉગતું હોવા છતાં તેની સુંદરતા નિહાળતા જ રહેવાનું મન રોકી શકાતું નથી. તે જ પ્રમાણે માનવીએ દરેકની સાથે હળીમળીને રહેવું જોઈએ. મોહ-માયા અને અવગુણોથી અંતર રાખવું જોઈએ. યોગાભ્યાસ વખતે પણ પદ્માસનમાં બેસવામાં આવે છે. જેમાં પદ્મ એટલે કમળ અને આસન એટલે અવસ્થા (સ્થિતિ). કમળની સ્થિતિમાં બેસવાનો અર્થ એટલે કે મનને ધીમેધીમે આધ્યાત્મિક ઊંચાઈએ પહોચાડવું. જ્યાં સ્વને હજારો કમળના ચક્રોની વચ્ચે હાજર હોય તેવી અનુભૂતિ થવી.
 
મા કાળી પૂજાઃ નવરાત્રિ અને દિવાળીના તહેવારમાં મા કાળીની પૂજાનું વિશેષ મહત્વ છે. મા લક્ષ્મી શિવ શક્તિનું પ્રતિક છે. જે ર્નિબળની દુષ્ટોથી રક્ષા કરે છે. મા શ્યામા, આદ્ય તારા, દક્ષિણા, કાલિકા, ચામુંડી, ભદ્રકાલીના નામે ઓળખાય છે. પશ્ર્ચિમ બંગાળમાં દિવાળીના દિવસે મા કાળીની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે. જેમાં ૧૦૮ કમળના ફૂલ ચડાવીને ખાસ પૂજા કરવામાં આવે છે. ભારતના મોટાભાગે બધાજ રાજ્યોમાં દિવાળીના દિવસોમાં લક્ષ્મી પૂજા કરવામાં આવે છે. જ્યારે બંગાળી, ઉડીયા અને આસામી લોકો દિવાળીમાં કાળીમાની પૂજા કરે છે.
 
દેવી લક્ષ્મી અને ગુલાબી કમળઃ ગુલાબી કમળ પર બિરાજમાન મા લક્ષ્મી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રદાન કરે છે. તેમના હાથમાં પણ કમળનું ફૂલ છે. દેવી લક્ષ્મી પૃથ્વીની સૌથી સુંદર સ્ત્રી માનવામાં આવે છે. તેમનો રંગ સોનેરી છે. ચાર હાથ છે કમળના ખીલેલા ફૂલ ઉપર બેઠેલા કે ઊભા જોવા મળે છે. હથેળીમાંથી સોનાના સિક્કા અવિરત પડતા જોવા મળે છે. બીજા હાથમાં કમળનું પુષ્પ તથા શંખ જોવા મળે છે. ચાર હાથ ધર્મ, એટલે કે સત્ય, સદાચાર, કામ એટલે ઈચ્છાઓ, અર્થ એટલે સમૃદ્ધિ, તથા મોક્ષ એટલે જન્મ, મરણના ફેરામાંથી મુક્તિનું પ્રતિક માનવામાં આવે છે. મા લક્ષ્મીની હથેળીમાંથી પડતા સિક્કા દર્શાવે છે કે જે મા લક્ષ્મીની આરાધના કરે છે તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે છે. દિવાળીના દિવસે માની પૂજાનું આગવું મહત્વ છે. પૂજામાં પાણીથી ભરેલો કળશ રાખવામાં આવે છે. જેમાં આંબાના પાન રાખ્યા બાદ ઉપર નારિયેળ મૂકવામાં આવે છે. ચંદન, અક્ષત અને ફૂલ ચડાવીને પૂજા કરવામાં આવે છે. જે વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે. કળશનો ઉપલો ભાગ ભગવાન રૂદ્ધ અને નીચલો હિસ્સો બ્રહ્મનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારબાદ મા લક્ષ્મીનું આહ્વાન કરવામાં આવે છે. લક્ષ્મી- ગણેશની મૂર્તિ સ્થાપિત કરી ઘીનો દીવ પ્રગટાવી સોના-ચાંદીના ઘરેણા ચડાવી અબીલ- ગુલાલ, કમળનું ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. મા લક્ષ્મીની મૂર્તિ પાસે ચોખાની ઢગલી કરી તેની ઉપર જાયફળ રાખીને માના સોળ પ્રતિકની પૂજા કરવામાં આવે છે. રંગોળીથી આંગણાને સજાવીને ભક્તિભાવ પૂર્વક માની આરાધના કરવાથી મા લક્ષ્મીની કૃપા તેમના ભક્તો ઉપર રહે છે.