ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો

gandhiji
Last Updated: સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (17:36 IST)


4) નાની નાની બાબતો
 
એક દિવસ ચંપારણથી બાપુનો પત્ર આવ્યો. અમારો આશ્રમ તે વખતે કોચરબમાં ભાડાના બંગલામાં હતો. પત્રમાં લખ્યું હતું:
 
“હવે ત્યાં વરસાદ શરૂ થયો હશે, નહીં થયો હોય તો થશે. હવાની દિશા હવે બદલાઇ જશે. એટલે આજ સુધી જે ખાડાઓમાં પાયખાનાના ડબા ખાલી કરતા તેમાં ન કરવા. નહીં તો એ દિશામાંથી દુર્ગંધ આવવાનો સંભવ છે. એટલે જૂના ખાડા પૂરી દઇને અમુક જગ્યાએ નવા ખાડા ખોદવા.”
 
આ પત્રની મારા મન પર ઊંડી અસર થઇ. બાપુ ચંપારણમાં તપાસનું કામ કરે છે, છતાં આશ્રમની આવી નાની નાની બાબતોની પણ કાળજી રાખે છે !‘જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે જ યુધ્ધમાં વિજયી થાય છે.’ એ મતલબનાં નેપોલિયનનાં વચનો મને યાદ આવ્યાં.
 
5) ગાંધીજી અને બાળકો
 
ગાંધીજીનું જીવન બાળકોના જેવું નિર્દોષ, સાદું અને નિષ્પાપ હતું. બાળકોની વચ્ચે તેઓ બેઠા હોય કે તેમની સાથે ફરતા હોય ત્યારે તેઓ મહાત્મા છે એવું કોઈને લાગતું પણ ન હતું. રાષ્ટ્ર અને દુનિયાના જટિલ સવાલોનો બોજો તેમના શિરે હંમેશાં રહેતો છતાં બાળકોની હાજરીમાં તેઓ આનંદી અને હસમુખા જ જણાતા હતા. સંધ્યાસમયે ફરવા જવાનો ગાંધીજીનો ખાસ નિયમ હતો. તે વેળા બાળકો સાથે ગમ્મત કરવાની તક ગાંધીજી જવા દેતા નહીં.
 
હંમેશા મુજબ ગાંધીજી એક વાર સાંજે ફરવા નીકળ્યા હતા. તેમની સાથે એક સ્ત્રી પોતાનું નાનું બાળક હાથમાં લઈને ફરતી હતી. સાથે તેનો બીજો બાળક પણ પાછળ પાછળ ચાલતો હતો. ચાલતાં ચાલતાં પેલી સ્ત્રીના હાથમાંનું બાળક રડવા લાગ્યું. તેને છાનું રાખવા પેલી સ્ત્રીએ માતાની બધી કળા અજમાવી પણ બાળક રડતું બંધ થયું નહીં ! એટલે ગાંધીજીનું ધ્યાન તે તરફ ગયું. બીજા એક અંતેવાસીને પોતાની લાકડી સોંપી ગાંધીજીએ માતા પાસેથી બાળક પોતાના હાથમાં લઈ લીધું. બાળકના મૃદુ ગાલ પર ગાંધીજીએ વહાલથી પોતાનો હાથ ફેરવ્યો અને પ્રેમભરી આંખે બાળક તરફ જોઈ હસવા લાગ્યા. બાળક શાંત થયું અને ગાંધીજીના વાત્સલ્યનો જાણે જવાબ આપતું હોય તેમ સ્નેહનીતરતી ગાંધીજીની આંખો તરફ જોઈને હસવા લાગ્યું. માતૃત્વનો આવો ગુણ જોઈ પેલી સ્ત્રી ગાંધીજી તરફ આશ્ચર્યમુગ્ધ થઈને જોઈ રહી હતી ત્યાં પાછળ ચાલતો બીજો બાળક ગાંધીજી પાસે દોડી આવ્યો અને ગાંધીજીનો એક હાથ પકડી ફૂલો હતાં ત્યાં ખેંચી ગયો. ફૂલોની નજીક જઈને તે બાળક બોલ્યો : ‘બાપુ ! આ કેવાં સુંદર ફૂલો છે !’
 
ગાંધીજી : ‘હા, ઘણાં જ સુંદર ફૂલો છે.’
એટલામાં ત્યાંથી પસાર થતા એક કૂતરા તરફ બાળકનું ધ્યાન ગયું. તેને જોઈ તે બોલી ઊઠ્યો : ‘બાપુ ! પેલો કૂતરો જાય છે.’
ગાંધીજી : ‘હા, એ કૂતરાને જોયો.’
બાળક (કુતૂહલથી) : ‘બાપુ ! એને પૂંછડી પણ છે !’
ગાંધીજી : ‘હેં હેં ! એને પૂંછડી પણ છે ? તને પૂંછડી છે કે ?’
ગાંધીજીના અજ્ઞાન પ્રત્યે જાણે હસતો હોય તેમ બાળક બોલ્યો : ‘બાપુ ! તમે તો ઘણા મોટા થયા છો અને એટલું પણ નથી સમજતા કે માણસને પૂંછડી હોતી નથી ! તમે તો કંઈ જ જાણતા નથી.’
 
ગાંધીજી વિશેનો બાળકનો અભિપ્રાય સાંભળી આખી મંડળી હસી પડી.


આ પણ વાંચો :