શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|

જ્યાં હારવાનું જ છે તેવી સીટનાં ઉમેદવારો જાહેર કરવામાં કોંગ્રસને જરાય ઉતાવળ નથી

P.R
અમદાવાદ-પૂર્વ, સુરત, નવસારી અને ભરૃચ માટે કોંગ્રેસે લોકસભાના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, પરંતુ આ બેઠકો ઉપર પરંપરાગત રીતે ભાજપનો જ વિજય થતો હોઈ હારવાની આ બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરવાની કોંગ્રેસને કોઈ ઉતાવળ નથી. બીજી તરફ પોરબંદર સીટ જે સમજૂતિમાં એનસીપીને ફાળે જવાની હોઈ તે અંગેની સત્તાવાર જાહેરાતમાં પણ કોંગ્રેસ તરફથી વિલંબ થઈ રહ્યો છે.

એનસીપીના કેન્દ્રીય નેતા પ્રફુલ પટેલને તથા રાજ્ય પ્રમુખ જયન્ત પટેલ ઉર્ફે બોસ્કીને કોંગી મોવડીઓએ પોરબંદર લોકસભા બેઠક સમજૂતિમાં આપવાના નિર્દેશો શુક્રવાર સાંજે જ આપી દીધાં છે, પણ આ સંદર્ભે દિલ્હીથી સત્તાવાર જાહેરાત હજી સુધી ના થતાં એનસીપીમાં ખાસ્સો ઉચાટ છે.

અમદાવાદ-પૂર્વમાં શરૃઆતમાં જૂનું કોંગી જૂથ ટિકીટ માગી રહ્યું હતું, પણ ટિકીટ નક્કી કરનારા મોવડીઓએ કોઈ દિલચશ્પી ના દાખવતાં, પૂર્વ પોલીસ અધિકારી વી. વી. રબારીનું નામ ચર્ચામાં આવ્યું હતું. હવે ભાજપમાંથી ૭ ટર્મ સાંસદ ચૂંટાયેલા હરિન પાઠકનું પત્તું કપાતાં, ત્યાં કોંગ્રેસમાં કોઈ બ્રાહ્મ ઉમેદવાર ખડો કરવાનો વિચાર વહેતો થયો છે, જેમાં કોઈ બહેનને ટિકીટ આપી મહિલાને અન્યાયનું મ્હેણું ભાંગવાનો પણ વિચાર થઈ રહ્યો છે. જોકે આ વિચારણામાં માયા દવે સિવાય બીજા કોઈનું નામ ઉપસતું નથી, એમ સૂત્રો કહે છે.

નવસારી લોકસભા બેઠકના ત્રણ વિધાનસભા ક્ષેત્રો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાયેલા હોઈ અહીં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા બાબુ રાયકાને ટિકીટ આપવાનો વિચાર ચાલ્યો હતો, પણ હવે કોળી સમાજને વધુ ખુશ કરી તેના મતો અંકે કરવાના ભાગરૃપે સી. કે. પીઠાવાલાનું નામ વહેતું થયું છે, ભૂતકાળમાં સંસદની ચૂંટણી હારેલા પીઠાવાલા ૨૦૦૭માં બોટાદ વિધાનસભાની ચૂંટણી ભાજપ સામે બહુ ઓછા માર્જિનથી હાર્યા હતા. જોકે આ બેઠક ઉપર ભાવનાબહેન પટેલનું પણ ગણતરીમાં લેવાયું છે, જેઓની ટિકીટ ૨૦૦૯માં છેલ્લી ઘડીએ કપાઈ ગઈ હતી. જ્યારે સુરતમાં અશોક જીરાવાલા ભાજપમાં જોડાઈ ગયા પછી હવે શહેર પ્રમુખ નૈષધ દેસાઈને ચૂંટણી લડવાનું કહેવામાં આવે તેમ સૂત્રો જણાવી રહ્યાં છે.

ભરૃચમાં અત્યાર સુધી મુસ્લિમ ઉમેદવારોના નામો વિચારણામાં હતા, જેમાં વકીલ સુલેમાન પટેલ, આઈ. યુ. પટેલ વગેરે નામો બહાર આવ્યા હતા. પરંતુ તાજા સમાચાર એવા છે કે કોંગ્રેસ અધ્યક્ષાના સચિવ અહમદ પટેલની ઇચ્છા અહીં બિનમુસ્લિમ ઉમેદવાર ઉભો કરવાની હોઈ ફરી કોકડું ગુંચવાયું છે. જોકે સૂત્રો કહે છે કે, મંગળવાર સુધીમાં પોરબંદર સહિત પાંચેય બાકી બેઠકોની જાહેરાત થઈ જશે.