શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 12 માર્ચ 2014 (12:36 IST)

૧,૨૭,૦૦૦ મતદારોના નામો ડુપ્લિકેટ જાહેર થતા ખળભળાટ

P.R
રાજકીય પક્ષો સાથેની બેઠકમાં અગાઉ સીત્તેર હજાર નામો ડુપ્લિકેટ હોવાનું જણાવતા શહેર કોંગ્રેસે આજે કલેક્ટરને રજૂઆત બાદ જણાવ્યું કે ડુપ્લિકેટ હોવાની પૂરી શંકા છે તેવા મતદારોના ૧,૨૭,૦૦૦ નામો રાજકોટની યાદી પર છે અને ખુદ કલેક્ટરે આ ભળતા નામોનો આંકડો જાહેર કર્યાનું ઉમેર્યું હતું.

રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ, ધારાસભ્ય, વિપક્ષી નેતા વગેરેએ કલેક્ટરને રજૂઆતમાં જણાવ્યું કે એકના એક નામો બેવડાયા છે અને તા.૩૧-૧-૨૦૧૪ની મતદારયાદીમાં ગંભીર પ્રકારની ક્ષતિઓ છે જે રાજકીય દોરીસંચાર હેઠળ હજુ મહદ્અંશે દૂર કરાઈ નથી. વધુમાં જણાવ્યું કે અગાઉ હજારો ચૂંટણી ઓળખ કાર્ડના કારણે બારકોડેડ રેશનકાર્ડ પણ બોગસ હોય શકે છે. મતદારયાદી તૈયાર કરવામાં ચીવટ રખાઈ નથી અને તેનો ગેરલાભ ચૂંટણીમાં ઉઠાવાય તેવી શક્યતા છે. એવી ગંભીર વિગતો પર કલેક્ટરનું ધ્યાન દોરાયું હતું કે જુના મતદારકાર્ડ રદ કરાયા નથી અને નવા ઈસ્યુ થઈ ગયા છે જેથી બેવડા ઓળખકાર્ડનો પ્રશ્ન સર્જાયો છે. રજૂઆત અન્વયે ડો.વસાવડાએ જણાવ્યું કે બોગસ કે ડુપ્લિકેટ નામો એટલી સંખ્યામાં છે કે ચૂંટણી પરિણામ પર અસર પાડી શકે ત્યારે આ બાબત અંગે જો સરકારી તંત્ર કડક પગલા નહીં લે તો કોંગ્રેસ ફોજદારી ફરિયાદ નોંધાવશે.

આ અંગે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમારે જણાવ્યું કે સોફ્ટવેર પરથી નામોમાં દેખીતી સામ્યતા જણાતી હોય તેવા ૧,૨૭,૦૦૦ નામો શોધી કઢાયા હતા અને આ વાત ખુદ તંત્રે જ રાજકીય પક્ષોને જણાવી હતી જેમાં ૧૦,૭૧૭ નામો એક જ વ્યક્તિના બે વાર હોવાનું જણાતા તે રદ કરાયા છે. બાકીના નામો એક સરખા નામની બે વ્યક્તિના પણ હોય શકે છે.