ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે હાર્દિકની મુલાકાત, સત્યની લડાઈ ઈમાનદારીથી લડવા હાર્દિકને શીખ આપી
હાર્દિક પટેલે બુધવાર સાંજે રાજકોટમાં સભા ગજવીને ગુરુવાર સવારે સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે 15 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બેઠકમાં નરેશભાઈએ અમને કહ્યું હતું કે, પાટીદાર છો પાછા ન પડતા. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, આજે અમે નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. નરેશભાઈ અમારા વડીલ સમાન છે.
તેણે અમને કહ્યું હતું કે, જે પણ કરો તે ઈમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો, અમે તમારી સાથે છીએ. સમાજના હિતમાં જે પણ નિર્ણય કરવામાં આવશે તે સાથે રહીને કરીશું. જે કામ કરો છો તે સાચું કરો છો પાછા ન પડતા. પાટીદાર છો તમે લડજો માતાજીના આશીર્વાદ આપણી સાથે છે. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, બેઠકમાં ખોડલધામ અને ઉમિયાધામમાં અનામતની ફોર્મ્યુલા અંગે વાત થઇ હતી. નરેશ પટેલ સાથેની મુલાકાત સારી રહી.