ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: સોમવાર, 7 નવેમ્બર 2022 (11:19 IST)

Gujarat assembly election 2022- વાઘોડિયામાં ભાજપ દબંગ MLA મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાશે? રૂપાલાની ગુપ્ત બેઠકોથી ચર્ચાઓ શરૂ થઈ

modi
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ મૂરતિયાઓ નક્કી કરવામાં લાગી ગઈ છે. ત્યારે ભાજપમાં પણ વડોદરાના રાજકીય માહોલમાં રવિવારે મોડી રાત્રે અચાનક ગરમાવો આવી ગયો હતો. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા રવિવારે અચાનક વડોદરા પહોંચ્યા હતા, જેના પગલે રાજકીય નેતાઓ દોડતા થઈ ગયા હતા. અચાનક વડોદારની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ વડોદરામાં ગુપ્ત બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ભાજપના વાઘોડિયા બેઠકના દાવેદારો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. એક ફાર્મ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં વાઘોડિયાના વર્તમાન ધારાસભ્ય એવા મધુ શ્રીવાસ્તવને દૂર રાખવામાં આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વાઘોડિયાની બેઠકને લઈને ફરીથી સેન્સ લીધી હોવાની ચર્ચાઓ રાજકીય વર્તૂળોમાં ઉઠી છે. વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઘણા સમયથી જાહેરમાં કહેતા આવ્યા વાઘોડિયાથી તેઓ જ ચૂંટણી લડવાના છે અને 50 હજારથી વધુની લીડથી જીતવાના છે. તેઓ સતત 6 ટર્મથી વાઘોડિયા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. તેમણે ભાજપ દ્વારા પોતાને જ ટિકિટ આપવાનો મત પણ વ્યક્ત કર્યો હતો. એવામાં કેન્દ્રીય મંત્રી રૂપાલાની બેઠકમાં તેમને દૂર રાખવા પાછળનો શું સંકેત છે તે તો ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે ત્યારે જ જાણી શકાશે. ત્યારે હવે મધુ શ્રીવાસ્તવને આગામી સમયમાં ફરી ટિકિટ મળે છે કે કેમ તે ખાસ જોવાનું રહેશે.