બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 12 નવેમ્બર 2022 (13:33 IST)

શંકરસિહ વાઘેલા પણ હવે કોંગ્રેસમાં વિધિવત્ રીતે જોડાશે, પહેલાં તેમના પુત્ર મહેન્દ્રસિંહ જોડાઈ ગયાં

vaghela
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના મોટા ગજાના કદાવર નેતા શંકરસિંહ વાઘેલા પણ હવે કોંગ્રેસમાં ઘરવાપસી કરશે. શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં ઘરવાપસીના સમાચારને લઇ ચૂંટણીના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને ભાજપ માટે થોડી ચિંતા વધી છે. કારણ કે, શંકરસિંહ મૂળ તો ભાજપના જ મોટા નેતા અને ભાજપની ચૂંટણીલક્ષી અને કૂટનીતિથી સારીપેઠે વાકેફ હોઇ આ ચૂંટણીમાં ભાજપને કોઇ નુકસાન પહોંચાડે નહી તેની સાવધાની રાખવી પડશે.

શંકરસિંહ વાઘેલા આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવે ત્યારે વિધિવત્ રીતે કોંગ્રેસમાં જોડાય તેવી શકયતા સેવાઇ રહી છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસીને લઇ ગુજરાત કોંગ્રેસને નિશંકપણે એક બળ મળશે અને વાઘેલાના આટલા વર્ષોના અનુભવ અને કૂટનીતિનો લાભ મળશે. કોંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ શંકરસિંહે નવા પક્ષની પણ રચના કરી પરંતુ તેમાં બહુ ફાવ્યા નહી કે, બહુ જામ્યુ નહી. બીજીબાજુ, આ વખતે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ પણ એન્ટ્રી મારી તમામ ૧૮૨ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની સ્ટ્રેટેજી અપનાવી બધાને ચોંકાવી દીધા છે ત્યારે હવે ગુજરાત રાજકારણમાં પોતાનું એક સન્માનીય સ્થાન અને હોદ્દો જળવાઇ રહે તેમ જ કોંગ્રેસને પણ ફાયદો કરાવવાની સાથે સાથે ભાજપને પણ પરિણામમાં નકારાત્મક અસર પહોંચાડવાની રણનીતિના ભાગરૂપે હવે શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસમાં ઘરવાપસીનો નિર્ણય કર્યો હોવાનું મનાઇ રહ્યું છે.

ઉલ્લેકનીય છે કે, શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ હજુ થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાં વિધિવત્ ઘરવાપસી કરી ચૂકયા છે. આજે શંકરસિંહ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે એટલે ફરી પાછા પિતા-પુત્રની કોંગ્રેસમાં ઘરવાપસીના સમાચાર ગુજરાતના રાજકારણના મોટા સમાચાર હશે.