1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 2 જૂન 2014 (15:16 IST)

ગુજરાતનાં હાઇટેક ખેડૂતો પશુઓની લે-વેચ ઇન્ટરનેટ પર કરી રહ્યા છે

સ્માર્ટફોન કે લેપટોપધારકો જ ટેકનોસેવી હોય છે એવું નથી. હવે ગુજરાતી ખેડૂતો પણ હાઇટેક બન્યા છે. ઇન્ટરનેટના વધતાં ઉપયોગમાં ખેડૂતો પણ બાકાત રહી શક્યા નથી. આ કારણોસર ઇન્ટરનેટ પર ગીરની ગાય, કાઠિયાવાડી ઘોડી અને જાતવાન હેદરાબાદી બકરાંની ઓનલાઇન લે-વેચ થવા માંડી છે. માત્ર પશુઓ જ નહિં , ++ટ્રેકટર-ટ્રોલીથી માંડીને ખેત મશીનરી પણ વેબસાઇટના માધ્યમથી વેચાઇ -ખરીદાઇ રહી છે.

અત્યાર સુધી ખેડૂતોને કાંકરેજ કે મહેસાણી ભેંસ, ગીરની ગાય અથવા તો મારવાડી - કાઠિયાવાડી ઘોડી જોઇતી હોય કે વેચવી હોય તો પશુદલાલને કહેવું પડતું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં તો ગ્રાહકના અભાવે ઓછી કિંમતે પશુ વેચી દેવું પડતું હતું. હવે ઇન્ટરનેટને કારણે ખેડૂતોને પશુની ખરીદી કરવી હોય કે પશુ વેચવું હોય , ગ્રાહક સરળતાથી મળી રહે છે. ઓનલાઇન ચીજવસ્તુઓની લે વેચ માટે જાણીતી વેબસાઇટના માધ્યમથી પશુઓની ખરીદી અને વેચાણ થવા માંડયું છે. ખેડૂતો માટે આવી વેબસાઇટ એક દલાલની ભૂમિકા ભજવી રહી છે.
જૂનાગઢના એક ખેડૂતે વેબસાઇટ પર ગીર ગાય વેચવા મુકી છે જેની કિંમત રૃા.૧.૫૦ લાખ છે. આ જ પ્રમાણે અમદાવાદના થલતેજમાં રમેશભાઇ પટેલના નામના ખેડૂતે પણ ત્રણ વર્ષની ગીર ગાય વેચવા વેબસાઇટનો સહારો લીધો છે. ગીરની આ ગાયની કિંમત રૃ.૩૫ હજાર છે જે રોજ છ લિટર દુધ પણ આપે છે. માણસાના એક ખેડુત તેની ગીર ગાય રૃા.૬૦ હજારમાં વેચવા માંગે છે.આ ગાય પણ રોજનું ૧૬ લિટર દુધ આપે છે. આમ ખેડૂતો ગાયની કિંમતની સાથે રોજનુ કેટલું દુધ આપે છે તેની વિગત પણ વેબસાઇટ પર જણાવે છે.

ઓનલાઇન મારવાડી અને કાઠિયાવાડી ઘોડા- ઘોડીની પણ લે-વેચ થઇ રહી છે. ભાવનગરમાં પંચકલ્યાણ ઘોડાની કિંમત રૃા.૧.૫૧ લાખ આંકવામાં આવી છ . બારડોલીમાં ત્રણ વર્ષિય સફેદ કાઠિયાવાડી ઘોડો રૃા.૩.૫૦ લાખની કિંમતે ઓનલાઇન વેચવા મુકાયો છે. હવે ઘોડાના શોખિનો દલાલો સાથે પુછપરછ કરવાને બદલે વેબસાઇટ પર મારવાડી - કાઠિયાવાડી ઘોડાની લે વેચ કરતાં થયાં છે. માત્ર ગાય,ભેંસ, ઘોડા જ નહિં પણ બકરાં-ઘેટા પણ ઓનલાઇન વેચાઇ રહ્યાં છે. જાતવાન હેદરાબાદી ,જોધપુરી અને જમનપલી બકરાં પણ ઓનલાઇન વેચાવવા માંડયાં છે. રૃ.આઠ હજારથી માંડીને દસ હજાર સુધી આ જાતવાન બકરાં ઓનલાઇન વેચાઇ રહ્યાં છે. રાજસ્થાન સહિત દેશભરમાં બકરાં ફાર્મની ઘણી વિગતો ઇન્ટરનેટ પર મોજુદ છે.

માત્ર પશુઓ જ નહિ ,પણ હવે તો ખેત મશીનરી અને ટ્રેક્ટર - ટ્રોલી પણ ઓનલાઇન વેચાઇ રહી છે. વેબસાઇટ પર હવે વિવિધ મોડલના ટ્રેકટર -ટ્રોલી સરળતાથી મળી રહે છે. ખેડૂતોનું કહેવું છેકે, ઓનલાઇનને કારણે ઘેરબેઠાં પસદગી થઇ શકે છે. એટલું જ નહિં, ગ્રાહકોને શોધવા જવું પડતું નથી. આ ઉપરાંત માત્ર ગુજરાતમાંથી જ નહિ પણ દેશભરમાંથી ગ્રાહકો મળી રહે છે પરિણામે સારી કિંમત મળી રહે છે. આમ, ઓનલાઇન લે-વેચ હવે ખેડૂતોને વધુ અનુકુળ આવી રહ્યું છે. ટુંકમાં , ઓનલાઇન પશુઓ અને ખેતમશીનરીના બિઝનેસને કારણે દલાલોની રોજીરોટી પર ખાસ્સી એવી અત્યારથી જ અસર થઇ છે.