દેશનું પ્રથમ અને ગુજરાતનું ત્રીજું એલ.એન.જી. ટર્મીનલ રૂ.૫૦૦૦ કરોડના ખર્ચે કાર્યરત
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થાય અને રોજગારીનું પ્રમાણ વધે તે માટે જી.એસ.પી.સી. એલ.એન.જી. લિમિટેડ દ્વારા નેચરલ ગેસ માટે વધુ એક નક્કર કદમ ઉઠાવીને રૂ. ૫૦૦૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ અને ગુજરાતનું ત્રીજું એલ.એન.જી. ટર્મિનલ મુંદ્રા ખાતે પાંચ એમ.એમ.ટી.પી.એ. એલ.એન.જી. રીસીવીંગ, સ્ટોરેજ અને રીગેસીફીકેશન ટર્મિલન કાર્યરત કર્યું છે.
જીએસપીસી એલએનજી લિમિટેડના પ્રેસીડેન્ટ અનિલ જોષીએ વધુ વિગતો આપતાં કહ્યું કે, કચ્છના મુંદ્રા ખાતે વિકસાવવામાં આવેલ આ ટર્મિનલમાં રીસીવિંગ, સ્ટોરેજ અને રીગેસીફીકેશન સુવિધા ઉપલબ્ધ બની છે. આ ટર્મિનલ ઉપર ‘મુર્વાબ’નામનું એલએનજી શિપ (કમિશનિંગ કાર્ગો) તાજેતરમાં કતારથી આવી પહોંચ્યું છે. આ ટર્મિનલ દ્વારા મુંદ્રા આસપાસના નેચરલ ગેસ ગ્રાહકોને ખાસ કરીને મોરબી-વાંકાનેર વિસ્તારના સિરામિક ઉદ્યોગો, જામનગરની રિફાઇનરીઓ તથા કચ્છ-સૌરાષ્ટ્રના ઔદ્યોગિક એકમોને એલ.એન.જી.ની સેવાઓ પુરી પાડવામાં બીજો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. આ ટર્મિનલ નેચરલ ગેસની ઉપલબ્ધતામાં વધારો કરશે, તેમજ ઔદ્યોગિક, શહેરી, ગેસ, ખાતર, પાવર, રીફાઇનીંગ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના હજારો ઉદ્યોગ સાહસિકોને લાભ અપાશે અને ગુજરાત સહિત વિવિધ ક્ષેત્રો રૂ. ૩૦ હજાર કરોડ સુધીના રોકાણ સાથે રોજગારીની વ્યાપક તકોનું નિર્માણ થશે.
મુંદ્રા ખાતેનું આ એલ.એન.જી. ટર્મિનલ પશ્ચિમ ભારત અને ઉત્તર અંતરિયાળ વિસ્તારના બજારોને ઊર્જા-ગંગા માળખા અંતર્ગત આવનાર જી.આઈ.જી.એલ.ની મહેસાણા-ભટિંડા, જી.આઇ.ટી.એલ. અને અન્ય મુખ્ય પાઇપલાઇન્સની સેવા પૂરી પાડવામાં સરળતા રહેશે. મુન્દ્રા એલ.એન.જી. ટર્મિનલ ભવિષ્યમાં અન્ય ગ્રીન ફિલ્ડ એલ.એન.જી. પ્રોજેક્ટ્સની તુલનામાં ઓછા ખર્ચે ૫ થી ૧૦ એમ.એમ.ટી.પી.એ. અને સંભવિત ૨૦ એમ.એમ.ટી.પી.એ. સુધીની વિસ્તરણ કરવાની સંભાવના ધરાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટર્મિનલ ઉપર વિકસાવેલ સુવિધાઓમાં પ્રત્યેક ૧,૬૦,૦૦૦ ઘન મીટર કેપેસીટી ધરાવતી બે એલ.એન.જી. સ્ટોરેજ ટેન્ક, રીગેસીફીકેશન માટે પાંચ ઓપન રેક વેપોરાઈઝર અને ૭૫,૦૦૦ થી ૨,૬૦,૦૦૦ ઘન મીટર સુધીના કદના એલ.એન.જી. જહાજો લાંગરવા માટે સક્ષમ એવી એલ.એન.જી. જેટીનો સમાવેશ થાય છે. આ ટર્મિનલમાં એલ.એન.જી. ટ્રક લોડિંગ માટેની સુવિધા પણ છે. ટર્મિનલમાંથી નેચરલ ગેસ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (જી.એસ.પી.એલ.)ની ગેસ ગ્રીડ દ્વારા મોકલવામાં આવશે. આવનાર પખવાડિયામાં ટર્મિનલના કમિશનિંગ હેતુ ટેન્ક અને આર.એલ.એન.જી. નીકાળવા માટેની રીગેસીફીકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વિવિધ એલ.એન.જી. સુવિધાઓની કુલ ડાઉન પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી ટર્મિનલ નિયમિત એલ.એન.જી. કાર્ગો મેળવવા તૈયાર થઇ જશે અને ગુજરાત રાજ્ય અને ભારતની ઊર્જા સુરક્ષામાં વધારો કરશે.
આ અદ્યતન એલ.એન.જી. ટર્મિનલ વર્ષ ૨૦૩૦ સુધીમાં એકંદરે એનર્જી બાસ્કેટમાં નેચરલ ગેસનો હિસ્સો ૬.૫% થી ૧૫% સુધી વધારવાના દેશના ગેસ આધારિત અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં મદદરૂપ નીવડશે. મુંદ્રા એલ.એન.જી. ટર્મિનલ મુખ્યત્વે પ્રમોટર કંપનીઓ અને શરૂઆતના મોટા ગ્રાહકોને ટોલિંગ મોડેલ આધારિત સેવાઓ પૂરી પાડશે. જે ભારતમાં વાઇબ્રેન્ટ ગેસ/એલ.એન.જી. માર્કેટ બનાવવામાં અને દેશમાં પ્રસ્તાવિત ગેસ ટ્રેડિંગ હબના નિર્માણમાં મદદરૂપ થશે.