ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 2 ઑક્ટોબર 2021 (14:04 IST)

ગુજરાતમાં પેટ્રોલના વેચાણ પર 20.1 ટકા તથા ડીઝલમાં 20.2 ટકા જેટલો વેટ

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પેટ્રોલનો ભાવ 98 રૂપિયા અને ડિઝલ 96 રૂપિયા સુધી પહોંચ્યો
રાજ્ય સરકારને 5 વર્ષમાં પેટ્રોલ-ડીઝલના કારણે 60 હજાર કરોડ ફાયદો
 
પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતાં મોંઘવારીમાં પણ વધારો થયો છે. સતત વધી રહેલા ભાવને કારણે શાકભાજી, કરિયાણું સહિતની ચીજોમાં મોટો ભાવ વધારો થયો છે. આજે ડિઝલ અને પેટ્રોલમાં ફરી ભાવ વધ્યાં છે. બીજી તરફ નેચરલ ગેસની કિંમતમાં 62 ટકાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ગુરુવારે પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડિઝલના ભાવમાં 32 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં પેટ્રોલની કિંમતમાં બે વાર અને ડિઝલની કિંમતમાં પાંચ વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. બુધવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 80 ડોલરથી નીચે 78.64 ડોલરની નીચે રહી હોવા છતાં ભાવ વધારો ઝિંકવામાં આવ્યો છે. 
 
સરકારને 5 વર્ષમાં પેટ્રોલ-ડીઝલના કારણે 60,000 કરોડ ફાયદો
પેટ્રોલ અને ડીઝલ પર વેલ્યુ એડેડ ટેક્સ (VAT) લાગુ હોવાથી સરકારની આવકમાં મોટો વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારને પેટ્રોલ અને ડીઝલના વેટ પેટે અંદાજે 60 હજાર કરોડની આવક મળી છે. ગુજરાત સરકારને 2018-19ના વર્ષમાં સરકારને પેટ્રોલના વેચાણમાંથી 3919.76 કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો હતો જ્યારે ડીઝલના વેચાણથી 8743.58 કરોડ રૂપિયાની આવક થઇ છે. એવી જ રીતે 2019-20ના વર્ષમાં સરકારને પેટ્રોલના વેચાણથી 4462.30 કરોડની આવક થઇ હતી જ્યારે ડીઝલના વેચાણથી વિક્રમી 9776.68 કરોડ રૂપિયાનો વેટ મળ્યો છે.
 
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયુટી નાંખી રહી છે
2020-21માં કોરોના સંક્રમણનો સમય હોવાથી વેચાણ ઘટયું છતાં સરકારને પેટ્રોલમાંથી 2984 કરોડ અને ડીઝલમાંથી 6960 કરોડ રૂપિયા મળ્યા છે. બીજી તરફ કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયુટી નાંખી રહી છે. આ બન્ને ઉત્પાદનો પર કુલ ટેક્સનું ભારણ જોઇએ તો 70 ટકા જેટલું થવા જાય છે છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર લોકોને રાહત આપવાના મૂડમાં નથી.GST કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ આવકમાં મોટું નુકશાન થતું હોવાથી રાજ્યો સહમતી દર્શાવતા નથી. 
 
ગુજરાતમાં પેટ્રોલના વેચાણ પર 20.1 ટકા તથા ડીઝલમાં 20.2 ટકા જેટલો વેટ
ગુજરાતમાં પેટ્રોલના વેચાણ પર 20.1 ટકા તથા ડીઝલમાં 20.2 ટકા જેટલો વેટ છે. જ્યારે બન્ને પર ચાર ટકાનો સેસ લાગુ પડે છે. રાજ્યમાં ડીઝલનો વપરાશ વધુ હોવાથી સરકારને વેટ પેટે પેટ્રોલ કરતાં ડીઝલના વેચાણમાંથી આવક વધારે મળે છે. પ્રતિવર્ષ બન્ને ઇંધણ પેટે સરકારને 10 હજારથી 12 હજાર કરોડ કરતાં વધુ કમાણી થાય છે તે જોતાં પાંચ વર્ષની સરેરાશ 60 હજાર કરોડ જેટલી થવા જાય છે.
 
સીએનજી-પીએનજીના ભાવ પણ વધી શકે
કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને પ્રાકૃતિક ગેસની કિંમતમાં 62 ટકાનો વધારો કર્યો છે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં તેની જાણકારી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રાકૃતિક ગેસની કિંમતો વધવાના કારણે કેન્દ્રએ આ પગલું ભર્યું છે. 
 
પેટ્રોલ અને ડિઝલનો નવો ભાવ
શહેર પેટ્રોલ ડિઝલ
અમદાવાદ 98.49 96.94 
સુરત 98.55 96.94 
રાજકોટ 98.25 96.59
વડોદરા 98.12 96.45