મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 6 મે 2021 (10:15 IST)

ઓડ ઇવન પદ્ધતિથી ટેકસટાઇલ માર્કેટ ચાલુ રાખવા નિર્ણય કરાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ– ૧૯ની સેકન્ડ વેવને કારણે ટેકસટાઇલ ક્ષેત્રને પડનારી તકલીફને પહોંચી વળવા માટે ટેકસટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. દરમ્યાન આજરોજ ઝૂમ એપ્લીકેશનના માધ્યમથી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોસ્ટા સિવાયના તમામ મોટા ટેકસટાઇલ એસોસીએશનોના હોદ્દેદારો તેમજ પ્રતિનિધીઓ જોડાયા હતા. 
 
દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૩૬ જેટલા શહેરોમાં રાત્રિ કરફયૂની નવી જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ ઉદ્યોગ – ધંધાના કામકાજ માટે અગાઉ જે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી તેને તા. ૧ર મે ર૦ર૧ સુધી લંબાવવામાં આવી હતી. આ સંજોગોમાં ટેકસટાઇલ સપ્લાય ચેઇન ચાલુ રહે તે માટે હોલસેલ માર્કેટ ચાલુ રહે અને બીટુબી ટ્રાન્જેકશન પણ ચાલુ રહે તે ઘણું અનિવાર્ય હોવાથી સુરતની તમામ ટેકસટાઇલ માર્કેટને ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે સવારે ૧૦:૦થી સાંજે ૪:૦૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવે તેવો નિર્ણય સર્વાનુમતે ઉપરોકત મિટીંગમાં લેવામાં આવ્યો હતો.
 
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કુમાર (કાનાણી) તથા ધારાસભ્યો હર્ષ સંઘવી, વી.ડી. ઝાલાવાડીયા, કાંતિ બલર અને પ્રવિણ ઘોઘારી તેમજ વિનુ લીંગાડાને ટેકસટાઇલ માર્કેટની હાલમાં જે પરિસ્થિતિ છે તેનાથી તથા ચેમ્બરની ટેકસટાઇલ ટાસ્ક ફોર્સ દ્વારા લેવાયેલા નિર્ણય અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. ચેમ્બર દ્વારા સમગ્ર પરિસ્થિતિ અંગે સરકારને રજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવા માટે વિનંતી કરવામાં આવી હતી.
 
 
આ ઉપરાંત ‘ટેકસટાઇલ ટાસ્ક ફોર્સ’દ્વારા લેવાયેલા ઉપરોકત નિર્ણય અંગે સુરતના પોલીસ કમિશનર અજય તોમરને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. સાથે જ ટેકસટાઇલ માર્કેટમાં ઓડ ઇવનની પદ્ધતિ કેવી રીતે કામ કરી શકે? તથા સરકાર દ્વારા જાહેર કરેલા હુકમનું તમામ ટેકસટાઇલ સપ્લાય ચેઇનના એકમો કેવી રીતે પાલન કરી શકે? અને તેની સાથે ટેકસટાઇલ માર્કેટ કેવી રીતે ચાલુ રાખી શકાશે? તે અંગેનો પ્લાન પોલીસ કમિશનરને સુપરત કરવામાં આવ્યો હતો. આ અંગે રિવ્યુ કરી પોલીસ કમિશનર દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવશે.