સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 26 માર્ચ 2022 (13:29 IST)

1 એપ્રિલથી નવી પોલિસી: ગુજરાતમાં 41 લાખથી વધુ વાહન સ્ક્રેપ નીતિથી પ્રભાવિત, ના રી-પાસિંગ ફીમાં થશે વધારો

કેન્દ્ર સરકાર 15 વર્ષથી જૂના વાહનો મામલે કડક પગલાં ભરવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલયના આદેશ પ્રમાણે પહેલી એપ્રિલથી 15 વર્ષથી વધારે જૂના વાહનોના ફરીથી રજિસ્ટ્રેશન કરાવવા પર  વધારે કિંમત ચૂકવવી પડશે. 
 
કેન્દ્ર સરકારે નવી સ્ક્રેપ પોલિસી જાહેર કર્યા બાદ હવે 1 એપ્રિલથી દેશભરમાં વાહનોના રી-પાસિંગ ફીમાં વધારો થશે. જેમાં બાઇક રી-પાસિંગ ફીમાં 233 ટકા, કારમાં 733 ટકા અને ટ્રકમાં 940 ટકાનો વધારો કરવામાં આવશે.અત્યાર સુધી બાઇક રી-પાસિંગની ફી 300 રૂપિયા હતી.જેની ફી હવે 1000 રૂપિયા લેવાશે.જ્યારે કાર રી-પાસિંગની ફી અત્યાર સુધી રૂપિયા 600 લેવાતી હતી તે હવેથી રૂપિયા 5000 લેવાશે.
 
જ્યારે ટ્રકની રી-પાસિંગની ફી રૂપિયા 1200 લેવાતી હતી જે હવેથી 12 હજાર 500 લેવાશે.મહત્વનું છે કે, વર્ષ 2006 પહેલા નોંધાયેલા તમામ વાહનોએ એપ્રિલમાં રી-પાસિંગ કરાવવું પડશે. જેમાં ફિટનેસમાં પાસ થનારા વાહનોને વધુ 5 વર્ષનું રી-પાસિંગ મળશે. 
 
જે વાહનના પાસિંગના 15 વર્ષે પૂરા થતા હશે અને વાહનચાલક રી-પાસિંગ કરાવવામાં વિલંબ કરશે તો તેને પ્રતિદિન રૂપિયા 50નો દંડ ચૂકવવો પડશે તેવી પણ આ નિયમમાં જોગવાઈ કરવામાં આવી છે.જ્યારે કોમર્શિયલ વાહનો માટે 2023થી અને ખાનગી માટે 2024થી સ્ક્રેપ પોલિસી લાગૂ થશે.
 
ગુજરાતના વાહનવ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ વિધાનસભામાં ખુલાસો કર્યો હતો કે ગુજરાતમાં નોંધાયેલા 70 વિવિધ પ્રકારના વાહનોમાંથી 18 ટકા જેટલા 41 લાખ વાહનોને સ્ક્રેપેજ નીતિથી અસર થવાની સંભાવના છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા તારાંકિત પ્રશ્નોના જવાબમાં પૂર્ણેશ મોદીએ આ વાત કહી હતી. અમદાવાદમાં નોંધાયેલા 58 લાખ 92 હજાર 31 વાહનોમાંથી 20 લાખ 58 હજાર 166 વાહનો 15 વર્ષથી વધુ જૂના છે.
 
15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા અયોગ્ય અને પ્રદૂષિત વાહનોને સ્ક્રેપ કરવાની નીતિની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2021માં કરી હતી. મંત્રીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં નોંધાયેલા 2.28 કરોડ 70 પ્રકારના વાહનોમાંથી 41.20 લાખ વાહનોના નોંધણી 15 વર્ષ કે તેથી વધુ સમયના છે. કુલ વાહનોમાંથી 26,45,959 ટુ વ્હીલર, 6,34,049 કાર, 1,11,552 ટ્રેક્ટર, 1,34,153 થ્રી વ્હીલર્સ (મુસાફર), 41,827 માલસામાન થ્રી વ્હીલર અને 1,76,498 માલવાહક ટ્રક છે.
 
અમદાવાદમાં નોંધાયેલા 58 લાખ 92 હજાર 31 વાહનોમાંથી 20 લાખ 58 હજાર 166 વાહનો 15 વર્ષથી વધુ જૂના છે. રાજકોટમાં 23 લાખ 14 હજાર 585માંથી 7 લાખ 36 હજાર 422, સુરતમાં 22 લાખ 75 હજાર 78 માંથી 2 લાખ 673, વડોદરામાં 16 લાખ 12 હજાર 593 માંથી 1 લાખ 35 હજાર 443 વાહન 15 વર્ષથી વધુ જૂના છે.