ડો.નીમા આચાર્યએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં લીધા 14મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકરના શપથ

shapath
Last Modified મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (11:24 IST)

વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ડો. નીમાબહેન આચાર્ચની વરણી કરવામાં આવી હતી. આજે ધારાસભ્યોને તેઓ શપથ લેવડાવે એ પહેલા તેમને ઓપી કોહલીએ 14મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ચીફ સેક્રેટરી જે એન સિંઘ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના હાજર રહ્યા હતા.
news of gujarat

16 જાન્યુઆરીએ ડો. નીમા આચાર્ચને પ્રોટેમ સ્પીકર નીમાયા હતા. વિધાનસભાના કાયમી અધ્યક્ષની વરણી ન થાય ત્યાં સુધી ડો. નીમાબહેન વિધાનસભાના પ્રોટેમ સ્પીકર રહેશે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ એક જાહેરનામા દ્વારા આ વરણી કરી હતી. ત્યારે પ્રોટેમ સ્પીકર આચાર્ય ચૂંટણી જીતેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રી, વિરોધ પક્ષના નેતા સહિતના સત્તારૂઢ પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર નીમાબહેન આજે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. બંધારણના અનુચ્છેદ-188 અંતર્ગત વિધાનસભાના સભ્યોએ પોતાનું સ્થાન લેતાં પહેલાં અધ્યક્ષ સમક્ષ સોગંદ કે પ્રતિજ્ઞા લેવા આવશ્યક છે. આજે બપોરે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આવેલા સાબરમતી સભાગૃહ ખાતે બપોરે નવા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર શપથ લેવડાવશે. નોંધનીય છે કે, ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક મહિના લાંબા અંતરાલ બાદ ચૂંટાયેલા ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે આ પહેલા ક્યારેય આવું થયું નથી. નવા ચૂંટાયેલા ધારાસભ્યો જ્યાં સુધી શપથ ગ્રહણ ના કરે ત્યાં સુધી નિયમ અંતર્ગત તેમના પગાર ભથ્થાં તેમજ સરકારી લાભો મળતાં નથી. ચૂંટણી જીતી લીધી હોવાછતાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મહિનાભરનો પગાર મળવાનો નથી.


આ પણ વાંચો :