નોટબંધી અને જીએસટીથી ગુજરાતના ઉદ્યોગોને ભારે ફટકો : જીસીસીઆઈ - Notebandhi and GST Effect on Gujarat Indsutry | Webdunia Gujarati
શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 17 નવેમ્બર 2018 (13:01 IST)

નોટબંધી અને જીએસટીથી ગુજરાતના ઉદ્યોગોને ભારે ફટકો : જીસીસીઆઈ

સમગ્ર વિશ્વ આજે મંદીના ભરડામાં છે ત્યારે ભારત સરકાર દ્વારા જે નોટબંધી અને જીએસટીના વિવાદાસ્પદ નિર્ણયો લેવાયા તેનાથી ગુજરાતના ઉદ્યોગોને ભારે ફટકો પડ્યો છે.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જૈમીન વાસાએ જણાવ્યું કે, છેલ્લા ૪ વર્ષની સરખામણીએ ૨૦૧૮નું વર્ષ રાજ્યના ઉદ્યોગો માટે સૌથી ગંભીર રહ્યું છે. આજે ગુજરાતના ૮૦ ટકા ઉદ્યોગો મંદીની વ્યાપક અસર હેઠળ જીવી રહ્યા છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતને ટેક્સટાઇલ્સ ઉદ્યોગનું હબ કહેવામાં આવે છે. આજે ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઉત્પાદન ૨૫ ટકા ઘટ્યું છે. જેમ્સ જવેલરી સેક્ટરમાં સુરત અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે અને વર્ષ 2017-18માં નિકાસમાં જેમ્સ-જ્વેલરીની નિકાસમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે. જેની સીધી અસરથી નાણાકીય અછતને કારણે સુરત અને સૌરાષ્ટ્રના યુનિટો થશે બંધ થવાની દહેશત સર્જાઇ છે.

ગુજરાત સરકારે જે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદ્યો છે તેના કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અસર થઇ છે. વડોદરા, અમદાવાદ અને રાજકોટની ૨૦૦૦ જેટલી પ્લાસ્ટિકની નાની ફેકટરીઓ બંધ થવાની પરિસ્થિતિમાં છે, જેને લઇને 50 હજાર લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. વર્ષ 2017માં રાજ્યમાં કુલ 5.38 લાખ યુવાનો બેરોજગાર હતા. જેમાંથી બે વર્ષમાં માત્ર 12,869ને જ સરકારી નોકરી મળી છે. 

જૈમિન વાસાએ જીએસટી અંગે જણાવ્યું કે, વેપારીઓના ઈનપુટ ટેક્સનું રિફંડ હજુ પણ સળગતો સવાલ છે અને GSTને કારણે ઉદ્યોગોની નિકાસ ક્ષમતા ઘટવાથી સૌથી મોટી અસર થઇ છે. રાજ્યના ઉદ્યોગોની પ્રવર્તમાન સ્થિતિ અને તેમની સામેના પડકારોને લઇને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીએ સરકારના નિર્ણયો અને તેની ઉદ્યોગો પર પડી રહેલી દુરોગામી અસરો અંગે સરકારને સુચનો કર્યા છે.