તાલિબાની હુકૂમત - અંદરાબમાં તાલિબાન અને અફગાન ફૌજ વચ્ચે ભીષણ લડાઈ, 50 તાલિબાની ઠાર, 20થી વધુ બંધક બનાવાયા
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજામાંથી એકમાત્ર બચી ગયેલા પંજશીરમાં લડાઈ ખતરનાક અંજામ તરફ આગળ વધી રહી હોવાનું જણાય રહ્યુ છે. પંજશીર ખીણ અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાંનો એક છે જે તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યો નથી. પંજશીરની સૂત્રોએ દાવો કર્યો છે કે અંદરાબમાં થયેલી લડાઈમાં 50 થી વધુ તાલિબાન લડાકુઓ માર્યા ગયા છે અને 20 થી વધુ લડાકુઓને બંધક બનાવવામાં આવ્યા છે.
આ લડાઈમાં તાલિબાનનો ક્ષેત્રીય કમાન્ડર માર્યા ગયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સાથે જ પંજશીરને સમર્થન કરનારા એક ફાઇટરનું મોત થયું છે અને 6 ઘાયલ થયા છે. જો કે તાલિબાનના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી નથી, પરંતુ એક તાલિબાન ફાઇટરના કહેવા મુજબ "પંજશીરને માફ કરવામાં નહી આવે"
ગઈકાલે રાત્રે તાલિબાનના એક સૂત્રએ દાવો કર્યો હતો કે બાનુ પર ફરીથી તાલિબાનનું નિયંત્રણ થઈ ગયુ છે. પંજશીર ઘાટીમાં વિદ્રોહીઓની આગેવાની કરી રહેલ અહમદ મસૂદના લડાકુઓ જંગ માટે તૈયાર છે. અફઘાન સેના પણ તેમની સાથે જોડાયેલી છે. તેઓ અફઘાન ધ્વજ સાથે લડી રહ્યા છે. નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે નોર્ધર્ન એલાયંસને લીડ કરી રહેલ મસૂદે કહ્યુ કે યુદ્ધની તૈયારી છે, પણ જો રસ્તો કાઢવા માટે વાતચીત કરવામાં આવે તો તેના માટે પણ તૈયાર છે.
તાલિબાને અમેરિકાને આપી ધમકી, જો અમેરિકા 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાન નહીં છોડે તો તેના પરિણામો ભોગવવા પડશે
તાલિબાને અમેરિકાને ધમકી આપી છે કે તે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાના તેના મિશનને 31 મી ઓગસ્ટ પછી આગળ ન વધારે. જો અમેરિકી સૈન્ય 31 ઓગસ્ટ પછી પણ અહીં રહેશે તો અમેરિકાને તેના પરિણામો ભોગવવા પડશે.
તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યું કે 31 ઓગસ્ટ રેડલાઈન હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેમની સેના આ તારીખ સુધીમાં અફઘાનિસ્તાન છોડી દેશે. આ તારીખ લંબાવવાનો અર્થ એ છે કે અમેરિકી સૈન્ય ફરી અફઘાનિસ્તાનમાં પોતાની પકડ વધારી રહ્યું છે. જો આવું થશે તો અમેરિકાએ તેના પરિણામો ભોગવવા પડશે.