1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: મુંબઈ , શુક્રવાર, 16 મે 2008 (00:49 IST)

મુંબઈ એરપોર્ટ પર બોંબની અફવાથી દોડધામ

મુંબઈ(વાર્તા) રાજસ્થાનની રાજધાની જયપુરમાં બે દિવસ પૂર્વે થયેલા સિરીયલ બોંબ બ્લાસ્ટ બાદ આજે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર બોંબ મુકાયાની અફવાથી અફડા-તફડી મચી ગઈ હતી. એરપોર્ટના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર, અજ્ઞાત વ્યક્તિએ ફોન કરીને અધિકારીઓને જણાવ્યુ હતુ કે, હવાઈ મથકમાં બોંબ મુકવામાં આવ્યો છે.

આ અંગેની જાણ એરપોર્ટના અધિકારીઓએ સ્થાનીક પોલીસને કરી હતી. બોંબ મુકાયાની વાત સાંભળતા જ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને બોંબ સ્કવોર્ડ તથા ડોગ સ્કવોર્ડ સાથે એરપોર્ટ પર ધસી ગયા હતા. એરપોર્ટના ખૂણેખૂણા તપાસ્યા બાદ સબ સલામત જણાતા પોલીસે આ ફોનને માત્ર અફવા ફેલાવવા માટે કરાયો હોવાનુ ઘોષીત કરી એરપોર્ટની સુરક્ષા વધારી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, આજે દક્ષિણ દિલ્હીની લોધી કોલોની નજીક આવેલા એક સાંઈબાબા મંદિરમાં બોંબની અફવા ફેલાઈ હતી. આ સમયે પણ કોઈ અજ્ઞાત વ્યક્તિએ મંદિરના સંચાલકોને ફોન દ્વારા બોંબ મુકાયાની ખબર આપી હતી. જેની જાણ થતાં જ પોલીસે મંદિરમાંથી તમામ લોકોને બહાર ખસેડીને તપાસ શરૂ કરી હતી. પરંતુ કોઈ શંકાસ્પદ ચીજ હાથ લાગી ન હતી.