1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

વડાપ્રધાનપદ માટે મનમોહન સિંહ અને રાહુલ ગાંધી કરતા મોદી સૌથી વધુ લોકપ્રિય !!

P.R

કેન્દ્રમાં ૮ વર્ષ સુધી સત્તા પર રહ્યા બાદ હવે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે અને લોકોનો ઝુકાવ મુખ્ય વિપક્ષી દળ ભાજપ તરફ વધી રહ્યો છે. આ વાત એબીપી ન્યૂઝ-નિલસનના એક સર્વે રિપોર્ટમાં બહાર આવી છે. નોંધનીય છેકે, આ યુપીએ સરકાર રર મેના રોજ પોતાનાં ત્રણ વર્ષ પૂરાં કરવા જઇ રહી છે. આ સર્વેમાં સૌથી ચોંકાવનારી વાત એ રહી છે કે વડાપ્રધાનપદ માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સૌથી વધુ લોકોની પસંદગી બન્યા છે. એટલું જનહીં આ દોડમાં તેમણે વર્તમાન પ્રધાનમંત્રી મનમોહન અને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને પણ પાછળ મૂકી દીધા છે.

મોદીને રાહુલ કરતાં ૪ ટકા વધુ મત...
મોદીને મનમોહનસિંહની તુલનામાં દેશની એક ટકો વધુ જનતા આગામી વડાપ્રધાન તરીકે જોવા માગે છે. જ્યારે ર૦૧૧માં વડાપ્રધાન પદ માટે સૌથી વધુ પસંદગીના ઉમેદવાર રહેલા રાહુલ ગાંધી કરતાં તો મોદીને ૪ ટકા વધુ લોકોએ પસંદ કર્યા છે. સર્વે મુજબ, મોદીને ૧૭ ટકા જનતા દેશના આગામી વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે જ્યારે આ માટે મનમોહન સિંહને ૧૬ ટકા મત મળ્યા છે. કોંગ્રેસના યુવરાજ રાહુલને હવે માત્ર ૧૩ ટકા લોકો જ વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે. મતલબ કે મોદીએ વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવાર તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે.

મનમોહન હવે નથી રહ્યા ‘મનભાવન’...
ગત વર્ષે દેશના શ્રેષ્ઠા નેતાઓની યાદીમાં મોદી ૧ર ટકા મત સાથે ચોથા ક્રમે હતા પણ આ વર્ષે તેઓ ૧૭ ટકા મત મેળવીને પહેલા સ્થાને પહોંચી ગયા છે. મનમોહન સિંહ ગત વર્ષે ર૧ ટકા મત સાથે સૌથી પહેલા ક્રમે હતા તે ૧૬ ટકા મત સાથે બીજા સ્થાને છે.

સોનિયા ગાંધીની લોકપ્રિયતા પણ ઘટી...
સર્વેક્ષણમાં ખુલાસો થયો છે કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની લોકપ્રિયતા ૧૪ ટકાથી ઘટીને માત્ર ૯ ટકા રહી ગઇ છે. આ સર્વેક્ષણ દેશનાં ર૮ શહેરમાં એપ્રિલ -મે દરમિયાન કરવામાં આવ્યું છે. આ સર્વેમાં એ પણ તારણ મળ્યું છે કે, ર૦૧૪ માં યોજાનારી લોકસભા ચૂંટણીને બદલે જો હાલમાં મતદાન કરવામાં આવે તો ભાજપને ર૮ ટકા અને કોંગ્રેસને માત્ર ર૦ ટકા મત મળશે.