1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

શુ નરેન્દ્ર મોદીને કારણે સંજય જોશીએ રાજીનામું આપ્યુ ?

P.R
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુંબઇ ખાતે 24-25મીએ યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લઇને વિવિધ મુદ્દે ચાલી રહેલી અટકળોને શાંત કરવા પ્રયાસ કરશે. ગુજરાત ભાજપમાંથી જ મોદી પર ભાગ લેવા દબાણ વધતા અને નહીં જાય તો તેના કોઇપણ પરિણામ આવી શકે છે તેવો માહોલ ઉભો થતા છેવટે મોદીએ કારોબારીની બેઠકમાં ભાગ લેવાની ફરજ પડી છે. જેને પગલે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય સંજય જોશીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, મોદીના કટ્ટર વિરોધી મનાતા સંજય જોશીએ રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સંજય જોશી નથી ઈચ્છતા કે તેમના નામના કારણે પાર્ટીમાં કોઈ ફૂટ પડે અથવા વાંધા ઊભા થાય.

સંજય જોશીએ કહ્યું કે તેમણે પક્ષના હિતમાં રાજીનામું આપવું જ યોગ્ય સમજ્યું છે. સંજય જોશીએ પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીને મોકલેલા પત્રમાં કહ્યું કે, તે બિનજરૂરી વિવાદમાં પડવા નથી માગતા અને તે જ કારણોસર રાજીનામાનો રસ્તો અપનાવ્યો છે.

આ સમગ્ર વિવાદના મૂળ સુધી જોવામાં આવે તો અગાઉ ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીના પ્રયાસો થકી સંજય જોશીનું ભાજપમાં પુનરાગમન શક્ય બન્યું હતું. ગડકરીએ તેમને ઉત્તર પ્રદેશની ચૂંટણીના ઈન્ચાર્જ બનાવ્યા હતા. પોતાના કટ્ટર હરીફને અપાયેલા મહત્વને કારણે કારણે મોદી ઉશ્કેરાયા હતા. મોદીએ યુપી ચૂંટણીમાં ભાજપ વતી પ્રચાર પણ કર્યો ન હતો. ત્યારથી તેમણે ભાજપની કોઈ રાષ્ટ્રીય બેઠકમાં ભાગ લીધો ન હતો અને દિલ્હી ખાતે ભાજપના મુખ્યાલયે પણ ગયા ન હતા. આ ઉપરાંત અગાઉ ગડકરીએ સંકેત આપ્યા હતા કે, મોદી અને ગડકરી વચ્ચેના આ વિવાદ ઉકેલી લેવાશે. અને તેના ઉકેલ માટે અરૂણ જેટલીએ પણ મધ્યસ્થી કરી હતી.