1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

અમદાવાદમાં સ્કાઉટ જામ્બોરી ઉજવાશે

દેશ-વિદેશમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે તાલીમ આપતી સંસ્થા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘ એકસો વર્ષ પુરા કરવાની શતાબ્દી ઊજવી રહી છે. આ નેશનલ જામ્બોરી ઊજવણીનો દબદબાભેર પ્રારંભ ગુજરાત યુનિવર્સીટી મેદાનમાં રાજયપાલ નવલકિશોર શર્મા તા.2જી ફેબ્રુઆરી સાંજે ચાર વાગ્યે કરાવશે. જયારે તા.4થી ફેબ્રુઆરીએ શતાબ્દી સંધ્યામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઊપસ્થિત રહી સ્કાઊટ અને ગાઈડની પ્રવૃત્તિને ગૌરવ પ્રદાન કરશે.આ જામ્બોરી 7મી ફેબ્રુઆરી સુધી ચાલશે.

આજે જીએમડીસી પાસેના ગુજરાત યુનિવર્સીટી મેદાન ખાતે સ્કાઉટો અને ગાઈડોના રહેવા માટે તૈયાર કરાયેલા 7૦૦ જેટલા ટેન્ટ (તંબુ) અને વિશાળ સ્ટેડિયમ પાસે ઊભા કરાયેલા પત્રકારોના ટેન્ટમાં સ્કાઊટ-ગાઈડ પ્રવૃત્તિના રાજય સંઘના ચીફ કમિશ્નર અને સમગ્ર જામ્બોરીના આયોજક મહેન્દ્રભાઈ પટેલ, સંઘના રાજયના ઉપાધ્યક્ષ ડો.જગદીશ ભાવસાર અને રાજય સ્કાઉટ કમિશ્નર અને એન.એફ. ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, શાંતિ અને સદ્દભાવના જગાવવાના ઉદ્દેશ્ય સાથે સ્કાઉટ-ગાઇડ શતાબ્દી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દેશના 10 હજાર તેમજ બાંગ્લાદેશ, શ્રીલંકાના સ્કાઉટ્સ તથા ગાઇડ્સ ઉપસ્થિત રહેશે અને જીવન ઘડતર તથા રાષ્ટ્રભાવનાના પાઠ શીખવશે.