1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શનિવાર, 11 જૂન 2016 (18:00 IST)

ઘેર બેઠા ડીગ્રી

ગુજરાત પોલીસની નિષ્ક્રિયતાના કારણે એન્જિનિયરિંગ, માસ્ટર્સની ડિગ્રી બજારમાં મળતી થઈ છે જેની કોઈ કિંમત હોતી નથી, પરંતુ વિદ્યાર્થીઓ ખોટી લાલચમાં ફસાઈને આવી ડિગ્રીઓ લેવા માટે આકર્ષાતા હોય છે.  પરિણામે પસ્તાવવાનો વારો આવે છે. મણિનગરમાં રહેતા પારસ પંડ્યા એ પરીક્ષા આપ્યા વિના જ એમબીએનું રિઝલ્ટ મેળવવાનો પ્રયત્ન કરતા તેની વિરુદ્ધ પોલીસ ફરીયાદની કવાયત હાથ ધરવામાં આવી હતી.  અમદાવાદના મણિનગરનો રહેવાસી પારસ પંડ્યા એક બોગસ ઈન્સ્ટિટ્યુટના સંપર્કમાં આવ્યો હતો.  જેને ઘરે બેઠા કર્ણાટકા સ્ટેટ ઓપન યુનિવર્સિટીમાંથી એમબીએ કોર્સ કરવાની લાલચમાં આવીને ડોક્યુમેન્ટ ઈ-મેઈલથી મોકલ્યા હતા. 

થોડા સમય બાદ પારસને પરીક્ષા આપવા માટે રિસિપ્ટ આપવામાં આવી હતી. પરંતુ તે રિસિપ્ટમાં પરીક્ષાની તારીખ એક મહિના અગાઉની હતી. જેના કારણે પારસ અને તેના પિતા દ્વારા ઈન્સ્ટિટ્યુટનો સંપર્ક કરીને પરીક્ષાની તારીખ એક મહિના અગાઉની આપવા ખુલાસો માંગ્યો. પરંતુ ખુલાસાનો જવાબ આપવાના બદલે ઈન્સ્ટિટ્યુટ દ્વારા પારસને સીધી જ એમબીએની માર્કશીટ આપી દીધી. દેશભરમાં ડિસ્ટન્સ લર્નિંગ કોર્ષના નામે અનેક સંસ્થાઓ કાર્યરત છે. જે ડિસ્ટન્સ લર્નિંગ કોર્સના નામે વિદ્યાર્થીઓને છેતરીને પૈસા પડાવવાનું કામ કરે છે.

પોતે છેતરાયા હોવાનુ જાણ્યા બાદ પંડ્યા પરિવારે આવી સંસ્થાઓ સામે લાલઆંખ કરીને ભાંડો ફોડવાનો પ્રયાસ કર્યો પણ રાજ્યના આળસુ પોલીસ તંત્ર અવારનવાર આવી બોગસ સંસ્થાઓને છાવરતી હોય તેમ સ્પષ્ટપણે જણાઈ રહ્યુ છે. રાજ્યમાં શિક્ષણની કથળતી સ્થિતિને લઈને અવારનવાર સત્તાધીશો દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવે છે પરંતુ શિક્ષણના  નામે ચાલતી આવી ડિસ્ટન્સ લર્નિંગની હાટડીઓને બંધ કરવાનો ખ્યાલ શિક્ષણમંત્રીને આવતો નથી. જો છેતરાયેલા શહેરીજનો આવી હાટડીઓ બંધ કરાવવા માટે ફરીયાદ નોંધાવવા જાય તો તેમને ઉંઠા ભણાવીને તગેડી મુકવામાં આવે છે.