1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2016 (11:00 IST)

પરીક્ષાઓમાં જામર લાગશે

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમોને અનુસરતા હવે રાજ્યની યુનિવર્સિટીઓએ પરીક્ષા કેન્દ્રોમાં જામર લગાવવાની તૈયારીઓ શરૂ કરી છે.પરીક્ષા દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચોરીના કેસો વધી જતાં એક્ઝામ સેન્ટરોમાં જામર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

10 ફેબ્રુઆરીએ યુજીસીએ એક સરક્યુલર દ્રારા પરીક્ષા કેન્દ્રોમાં લો કેપેસીટીના જામર લગાવવાના નિર્દેશો કર્યાં છે.

ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એમ એન પટેલ કહે છે કે આ વર્ષે એપ્રિલ મહિનાથી શરૂ થનાર પરીક્ષાઓમાં અમે જામરનો ઉપયોગ શરૂ કરવાના છીએ.મોબાઇલ દ્રારા ચોરી કરવાના કેસો વધી ગયા હોવાથી તેને અટકાવવા યુજીસીના નિયમોનું ચુસ્ત પાલન કરાશે.

ગયા વર્ષે  ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી(જીટીયુ)નો એક સ્ટુડન્ટ મોબાઇલનો ઉપયોગ કરીને પરીક્ષામાં ચોરી કરતા પકડાઇ ગયો હતો.જીટીયુનું એક પેપર લીક થયું હતું અને વોટ્સ એપ પર ફરતું થયું હતું.એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે ચોરી માટે વિદ્યાર્થીઓ તો ઠીક પરંતું નિરિક્ષકો પણ બ્લુ ટુથ જેવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યાં હતાં.

જામર મુકવા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ધીરેન પંડ્યાએ જણાવ્યું હતું કે અમને યુજીસી તરફથી કોઇ લેખિત સરક્યુલર હજુ સુધી મળ્યો નથી.

એવી રીતે વડોદરાની એમ એસ યુનિવર્સિટીને પણ જામર લગાવવા અંગે હજુ સુધી યુજીસીનો કોઇ સરક્યુલર મળ્યો નથી.એમ એસ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર નિરજા જૈસવાલ કહે છે કે અમને જેવો સરક્યુલર મળશે અમે જામર લગાવવા માટે પ્રક્રિયા શરૂ કરીશું.