1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શુક્રવાર, 24 જૂન 2016 (13:01 IST)

મંત્રી મંડળમાં બેઠકની શકયતા

કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરફારની ચર્ચા વચ્ચે હવે રાજ્યમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર કરવાની કવાયત શરુ કરવામાં આવી છે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, આગામી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવી શકે છે. સુત્રોએ દાવો કર્યો છે કે, આનંદીબેનના મંત્રીમંડળમાંથી વર્તમાન બે મંત્રીઓની હકાલપટ્ટી કરવામાં આવે અને નવા ચાર મંત્રીઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.

આગામી વર્ષમાં રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે મહેસાણા ખાતે બે દિવસીય પ્રદેશ કારોબારની બેઠક પુર્ણ થઈ. ત્યારે હવે આ બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણની દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે. આનંદીબેન સરકારમાં છેલ્લા કેટલાક સમયથી આક્ષેપનો સામનો કરી રહેલ બે  મંત્રીઓને પડતા મુકાશે. તેવી શક્યતા છે.

તેમજ આગામી દિવસોમાં કેટલાક મોટા રાજકીય ફેરફારો પણ થઈ શકે છે. કેન્દ્ર લેવલે વડાપ્રધાન મોદીની જેમ આનંદીબેન પણ હવે મંત્રીઓની પસંદગીમાં રીપોર્ટ કાર્ડની પદ્ધતિ અપનાવી રહ્યા છે. આ ઉપરાંત નવા મંત્રીમંડળના નામ નક્કી કરતા પહેલા આનંદીબેન પ્રદેશ આગેવાનોની સાથે પણ બેઠક કરશે.

જેમાં મંત્રીમંડળના વિસ્તરણમાં સંગઠન અને સરકાર વચ્ચે યોગ્ય સંકલન સાધી શકે તેવા નામો નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી વહિવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આગામી સમયમાં રાજકીય સ્તરે ફેરફારોની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.