1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

મોદી વડાપ્રધાન બને તો હિન્દુત્વએને ઘોર ખોદાય જાય - સાધુ સમાજ

P.R
છેલ્લા દસ વર્ષમાં ગુજરાતની ગૌચર ભૂમિ વેચી દેવાઇ અને ગાયમાતા કતલખાને ગઇ છે તેનાથી સમગ્ર સંત સમુદાય વ્યથિત હોવાનું સનાતન ધર્મ પરિષદ ગુજરાતના અગ્રણી સાધુ-સંતોએ જણાવતા એવો દાવો પણ કર્યો હતો કે, જો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો હિન્દુત્વની ઘોર ખોદાઇ જાય તેમ છે. સંઘના વડા મોહન ભાગવતના કહેવાથી સદ્દભાવના ઉપવાસ કરનારા મોદી હિન્દુત્વવાદી ન બની જાય તેમ પણ કહ્યું હતું.

સનાતન ધર્મ પરિષદ ગુજરાતના અગ્રણી સાધુઓ શિવાનંદ મહારાજ (કમલાનિકેતન આશ્રણ, મુજપુર), અલખગીરી મહારાજ (અલખમઢી-થાનગઢ) અને રઘુવીરદાસ મહારાજ (ભારતીય સાધુ સમાજ) વિગેરેએ પત્રકાર પરિષદમાં મોદી સરકારની કથિત હિન્દુત્વવાદી નીતિઓ પર બેફામ પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મોગલકાળથી ગૌચરભૂમિ આરક્ષિત રાખવામાં આવે છે પણ હાલની રાજય સરકારે ગૌચર ભૂમિ છિનવી લીધી છે. રોજ ગૌવંશ હત્યાના કિસ્સા વધી રહ્યા છે. હિન્દુઓની બની બેઠેલી આ સરકાર ગાંધીનગરમાં સેંકડો હિન્દુ મંદિરોને તોડી રહી છે અને ધર્મસ્થાનોને ખતમ કરવાનો કાળો કાયદો સાર્વજનિક ટ્ર્સ્ટના નામે લાવવાના પણ પ્રયાસ કરાયા હતા. હવે જયારે ગૌચર ભૂમિ અને ગાયના અસ્તિત્તવ સામે ખતરો ઉભો થયો છે ત્યારે ધર્માચાર્યો ચૂપ બેસી શકે તેમ નથી. એક પખવાડિયામાં સરકારે જેટલા ગૌચર ગ્રામપંચાયતની ગ્રામસભાની મંજૂરી વિના અપાયા છે તે પાછા આપવાની જાહેરાત નહીં કરે તો સંતોનો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી હતી.

તેમણે એવી માગણી કરી હતી કે, માનીતા ઉદ્યોગપતિઓ પાસેથી ગૌચર પાછી નહીં અપાવે તો ગૌચર મુક્તિ અભિયાન શરૂ કરવું પડશે. તેમણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, આ સરકાર સદ્દભાવનાના નાટકો કરીને લઘુમતીઓની ખુશામત કરે છે. મુખ્યમંત્રી પોતાની જાતને હિન્દુ હ્દય સમ્રાટ ગણાવે છે પણ એ માત્ર વાણી વિલાસ છે. અત્યાર સુધી હિન્દુ સમાજને છેતર્યો છે અને સદ્દભાવનાથી લઘુમતીઓને પણ છેતરશે. જો સરકાર હિન્દુત્વનો ઠેકો લઇને બેઠી હોય તો ગાંધીનગરમાં તોડેલા મંદિરોની પુનઃ પ્રતિષ્ઠા કરવી જોઇએ. અન્યથા ધર્મસત્તા ગુજરાતમાં એકપણ મંદિર તોડવા દેશે નહીં. એક પ્રશ્નના જવાબમાં તેમણે એમપણ કહ્યું હતું કે, સંઘના વડા મોહન ભાગવત કહે એટલે કોઇ હિન્દુત્વવાદી બની જતું નથી.