1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 14 જુલાઈ 2009 (19:58 IST)

શાસક - વિપક્ષ સમન્વય ન સધાયો

ગુજરાત વિધાનસભા ગૃહમાં લઠ્ઠાકાંડની ચર્ચા માટેની અનુમતી નહીં અપાતા તેમજ કોંગ્રેસના ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દેવાના મામલે વિરોધ વ્યકત કરવા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહની કાર્યવાહીથી વેગળા રહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મામલે સરકાર અને વિપક્ષ બંનેએ પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો છે.

આજે ગૃહના અધ્યક્ષ અશોક ભટ્ટે વિપક્ષ અને શાસકપક્ષ વચ્ચે સંયુકત મિટિંગ યોજીને સમાધાનના પ્રયાસો કર્યા હતા પણ બંને પક્ષો અડગ રહેતા સમાધાનનો સમન્વય સધાયો ન હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અશોક ભટ્ટે જણાવ્યું હતું કે આજે સવારે 11 કલાકે વિપક્ષ અને શાસકપક્ષ વચ્ચેની મિટિંગ બોલાવી હતી. આ મિટિંગ રાખવાનો ઉદ્દેશ્ય બંને પક્ષો વચ્ચે સેતુ બની સમન્વય સાધવાનો હતો.

ગઈકાલે વિપક્ષના દંડક ઈકબાલ પટેલ મને મળ્યા હતા ત્યારબાદ સાંજે પણ મળવા આવ્યા હતા. રાત્રે આ જ પ્રશ્ન પર ટેલિફોન પર વિપક્ષના નેતા શક્તિસિંહ સાથે વાત થઈ હતી. એ જ પ્રમાણે શાસકપક્ષના સંસદીય બાબતોના મંત્રી સાથે મેં ગઈકાલે આ વિષય પર વાત કરી હતી અને તેના અનુસંધાને આજે બંને પક્ષ વચ્ચે સમન્વય સધાય તે માટે સેતુ બનીને બંને પક્ષોના આગેવાનોની બેઠક બોલાવી હતી.

તેમણે કહ્યું હતું કે શાસકપક્ષ તરફથી સંસદીય મંત્રી અમીત શાહ, શહેરી વિકાસમંત્રી નીતિન પટેલ અને મુખ્ય દંડક આર.સી. ફળદુ હાજર રહ્યા હતા. જયારે વિપક્ષ તરફથી વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, ઉપનેતા મોહનસહ રાઠવા, અર્જૂન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને દંડક ઈકબાલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બંને પક્ષો વચ્ચે જુદાં જુદાં મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ હતી પણ એમાં સમન્વય સધાયો ન હતો.