1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 17 નવેમ્બર 2014 (16:57 IST)

સંગઠન વગરની કોંગ્રેસ, પાર્ટીમાં ફક્ત પ્રમુખ અને નેતા

ગુજરાત કોંગ્રેસમાં ૨૦૧૧થી સદસ્‍ય નોંધણી ચાલે છે. તા. ૨૦ નવેમ્‍બરે તેની મુદત પુરી થશે. ત્‍યારબાદ બુથ કક્ષાએએથી સંગઠનના પ્રમુખોની ચૂંટણી શરૂ થશે. પ્રદેશ કક્ષા સુધીની ચૂંટણી પુરી થતા બીજા સાતથી આઠ મહીના લાગશે પરંતુ ગુજરાતના પાંચ મોટા શહેરોમાં ૨૦૧૨ની ચૂંટણીના પરિણામોને ધ્‍યાનમાં રાખી એક વર્ષથી સંગઠન વિખેરી નાખવામાં આવ્‍યુ છે. આ શહેરોમાં શહેર પ્રમુખો માત્ર પક્ષ ચલાવે છે. તેમને તેમના હોદેદારો અને કારોબારી રચવા માટે મંજુરી મળતી નથી.

   કોંગ્રેસ પક્ષ  દ્વારા કોઈ પણ મુદ્દે આંદોલન કરવાનું નક્કી કરે છે ત્‍યારે ગુજરાતના આઠ મહાનગરોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ આઠ મહાનગરો પૈકી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરત મહાનગરના સંગઠન માળખો બરખાસ્‍ત કરી દેવામાં આવ્‍યા છે.

   આ પાંચ મહાનગરમાં માત્ર પ્રમુખપદ ભરેલુ છે. શહેરના હોદેદારો અને વોર્ડ સમિતિઓ વિખેરી નાખવામાં આવ્‍યા છે. જેના કારણે મહાનગરોમાં પક્ષના કોઈપણ કાર્યક્રમો કરવામાં શહેર પ્રમુખો ભારે મુશ્‍કેલી અનુભવે છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર શહેર પ્રમુખોએ તેમનું માળખુ રચવા અનેકવાર રજૂઆતો કરી છે અનેક યાદીઓ પણ પ્રદેશને સુપ્રત કરી છે પરંતુ પ્રદેશ પ્રમુખને આ નામો પસંદ પડતા ન હોવાથી યાદી મંજુર થતી નથી.

   આ ઉપરાંત પાંચથી વધુ જિલ્લા પ્રમુખો સામે સ્‍થાનિક આગેવાનોને વિરોધ હોવાથી તેમને બદલવા માટે બે વર્ષથી નિર્ણય થઈ ચૂકયો હોવા છતા કોઈ અગમ્‍ય કારણોસર પ્રદેશ પ્રમુખ નિર્ણય લેતા નથી. કોઈ તાકાત તેમને રોકી રાખે છે અને આ જિલ્લા પ્રમુખો સામે વિરોધના કારણે કોઈ કાર્યક્રમ સફળ થતા નહી. આ સ્‍થિતિથી પ્રદેશ પ્રમુખ પણ વાકેફ છે જ. માટે જ તેમણે કહેવુ પડયુ હતુ કે કોંગ્રેસ કાગળ પર ચાલતી પાર્ટી છે.