ગુજરાતમાં દારૂબંધી આજે એક હાસ્યાસ્પદ કાયદા તરીકે લોકોમાં ચર્ચાઈ રહી છે. પોલીસને રોજ કોઈના કોઈ ઠેકાણેથી દારૂની ખેપ મારતા લોકો હાથ લાગે છે. તો ઘણીવાર બુટલેગરો જ પોલીસને ઢોર માર મારતા હોવાનું પ્રકાશમાં આવે છે. ત્યારે હવે આનાથી મોટી બાબતનું સાહસ પ્રકાશમાં આવ્યું છે. એકબાજુ ગુજરાત સરકારે દારૂબંધી માટે કડક નિયમો બનાવીને ગાળિયો કસ્યો છે ત્યાં બીજીબાજુ સરકાર પાસે ‘વોડકા’ બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવાનો એક વિચિત્ર પ્રસ્તાવ આવ્યો છે. આ પ્રસ્તાવ SBN ગ્રૂપ નામના ઇન્ડસ્ટ્રીયલ ગ્રૂપ પાસેથી આવ્યો છે. SBN ગ્રૂપે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એમઓયુ માટે પ્રસ્તાવ નોંધાવ્યો છે. આ પ્રસ્તાવમાં ગ્રૂપે લખ્યું છે કે ગુજરાતમાં વિપુલ જથ્થામાં બટાકા ઉગે છે. આથી ગુજરાત સરકારના મેગા ફૂડ પાર્કના ભાગરૂપે બટાકામાંથી સ્પિરિટ બનાવવાનો વોડકાનો પ્લાન્ટ ગુજરાતમાં શરૂ કરી શકાય તેમ છે. આ ફૂડ પાર્કમાં રૂ.5000 કરોડનું રોકાણ સામેલ છે અને તેમાં કોલ્ડ સ્ટોરેજ ચેઇન, ફળ તથા શાકભાજીઓની આડ-પેદાશોનું ઉત્પાદન કરતાં યુનિટો હશે. એમઓયુની વિગતો મુજબ કંપનીએ સરકાર પાસે ફૂડ પાર્ક માટે 150 એકર જમીનની માંગણી કરી છે. જ્યારે દારૂબંધીના ડિરેકટર બી.કુમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના વર્તમાન કાયદા મુજબ કોઇપણ પ્રકારનો દારૂ બનાવવાની મંજૂરી આપી શકાતી નથી. હાલ સુધી અમારી પાસે આવી ભઠ્ઠી નાંખવાની કોઇ અરજી આવી નથી.