1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

વિજગ્રાહકોનાં માથે કરોડોનો બોજો

ગ્રાહકોને 100 કરોડનો કરંટ!

આખરે રાજ્યનાં લાખો વિજ વપરાશકારો પર બોજો નાંખવાનો તખ્તો ઘડાયો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ દ્વારા યુનિટનાં દરમાં 10 પૈસાનો વધારો કરીને તે દર 75 પૈસા કરવામાં આવ્યો છે. જેને પગલે રાજ્યના વીજ ગ્રાહકોના માથે વધુ 100 કરોડ રૂપિયાનો બોજો પડશે.

રાજ્યમાં અસ્તિત્વમાં આવેલી વીજ કંપનીઓ દ્વારા આ અંગે ગ્રાહકોને જાણ કરી આ વધારો ગત માસથી વસુલી કરવા તૈયારી હાથ ધરી છે. જે અંતર્ગત લાખો વીજગ્રાહકોને મળેલા નવા બીલોમાં પાછળની બાકી નીકળતી રકમની પણ વસુલાત કરવામાં આવશે.

જીયુવીએનએનલની ચાર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ એમજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા તેના કૃષિ વીજ ગ્રાહકો સિવાયનાં તમામ ગ્રાહકો પાસેથી નવો ફ્યુઅલ સરચાર્જ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન દ્વારા અગાઉ ફ્યુઅલ કોસ્ટની ગણતરી 84 પૈસા કરવામાં આવી હતી. પણ રાજ્ય સરકારે રાહત આપતાં ફક્ત 10 પૈસાનો વધારો કરવાની મંજૂરી આપી છે. જ્યારે 9 પૈસાની સબસીડી આપી છે.

અગાઉ પણ જીયુવીએનએલે ફ્યુએલ કોસ્ટ અને પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જનાં રૂપે જનતા પર રૂ.415 કરોડનો બોજો નાંખ્યો હતો. તેમાં બીજા રૂ.100કરોડનો વધારો થયો છે. આ ભાવવધારો છેલ્લાં એક વર્ષમાં થયો છે.