માત્ર 10 મિનિટમાં તૈયાર કરો ઉપવાસનાં થાલીપીઠ; ઓછી સામગ્રીમાં બનાવો સ્વાદિષ્ટ નાસ્તો
1. સાબુદાણા અને શક્કરિયાના ઝટપટ થાલીપીઠ
સામગ્રી:
- પલાળેલા સાબુદાણા: 1 કપ
- બાફીને છીણેલું શક્કરિયું: 1/2 કપ
- રાજગરાનો લોટ અથવા શિંગોડાનો લોટ: 2 ચમચી (બાઇન્ડિંગ માટે)
- શેકેલા શિંગદાણાનો ભૂકો: 3 ચમચી
- બારીક સમારેલાં લીલાં મરચાં: 2
- સિંધવ મીઠું: સ્વાદ અનુસાર
- ઘી: શેકવા માટે
બનાવવાની રીત:
એક વાસણમાં બધી સામગ્રી ભેગી કરીને હાથથી સારી રીતે મસળી લો. શક્કરિયું ઉમેરવાથી થાલીપીઠ નરમ અને સ્વાદિષ્ટ બને છે. હવે થાલીપીઠ આકારમાં થાપીને ગરમ તવા પર ઘી લગાવી ધીમા કે મધ્યમ તાપે બંને બાજુથી કરકરું થાય ત્યાં સુધી શેકી લો.
2. રાજગરા અને કાકડીનું હળવું થાલીપીઠ
સામગ્રી:
- રાજગરાનો લોટ: 1 કપ
- છીણેલી કાકડી: 1/2 કપ (પાણી નીચોવ્યા વગર)
- શિંગદાણાનો ભૂકો: 2થી 3 ચમચી
- લીલાં મરચાંની પેસ્ટ: 1 ચમચી
- સિંધવ મીઠું: સ્વાદ અનુસાર
- ઘી અથવા બટર: શેકવા માટે
બનાવવાની રીત:
રાજગરાના લોટમાં છીણેલી કાકડી, લીલાં મરચાંની પેસ્ટ, શિંગદાણાનો ભૂકો અને સિંધવ મીઠું ઉમેરો. કાકડીના પાણીથી જ લોટ બાંધી લો. જરૂર ન હોય તો વધારાનું પાણી ઉમેરશો નહીં.
હવે આ લોટનું થાલીપીઠ સીધા તવા પર ઘી લગાવીને અથવા બટર પેપર પર થાપીને તૈયાર કરો. બંને બાજુથી સરસ રીતે શેકી લો.
3. ભગરી અને સાબુદાણાનું પરંપરાગત થાલીપીઠ
સામગ્રી:
- ભગરી (વરાઈ)નો લોટ: 1 કપ
- સાબુદાણાનો લોટ: 1/2 કપ (અથવા 2 કલાક પલાળેલા સાબુદાણા)
- બાફેલો બટાકો: 1 (મેશ કરેલો)
- શેકેલા શિંગદાણાનો ભૂકો: 3થી 4 ચમચી
- લીલાં મરચાંની પેસ્ટ: 1 ચમચી
- જીરું: 1 ચમચી
- સિંધવ મીઠું: સ્વાદ અનુસાર
- ઘી અથવા તેલ: શેકવા માટે
બનાવવાની રીત:
એક વાસણમાં ભગરીનો લોટ, સાબુદાણાનો લોટ, મેશ કરેલો બટાકો, શિંગદાણાનો ભૂકો, લીલાં મરચાંની પેસ્ટ, જીરું અને સિંધવ મીઠું ભેગાં કરો. જરૂર મુજબ પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો.
હવે લોટમાંથી થાલીપીઠ થાપીને ગરમ તવા પર ઘી અથવા તેલ લગાવી બંને બાજુથી સરસ રીતે શેકી લો. ગરમાગરમ થાલીપીઠ દહીં અથવા ઉપવાસમાં ખાઈ શકાય તેવી ચટણી સાથે પીરસો.
