1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: શુક્રવાર, 22 એપ્રિલ 2022 (00:46 IST)

IPL 2022: એમએસ ધોનીની 51મી સિક્સર અને મળી રોમાંચક જીત, જડેજાએ મેદાન પર કર્યુ સેલ્યુટ

મુંબઈ. એમએસ ધોનીએ(MS Dhoni)  આખરે બતાવ્યું કે તેને વિશ્વનો શ્રેષ્ઠ ફિનિશર કેમ કહેવામાં આવે છે. 20મી ઓવરના છેલ્લા 4 બોલમાં 16 રન બનાવીને તેણે IPL 2022ની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને રોમાંચક જીત અપાવી હતી. 40 વર્ષ 288 દિવસના ધોનીએ T20 લીગની 15મી સિઝનની શરૂઆત પહેલા CSKની કેપ્ટન્સી છોડી દીધી હતી. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ પહેલા જેવું પ્રદર્શન નહી કરી શકે. આ કારણથી તેણે આ જવાબદારી રવિન્દ્ર જાડેજાને આપી છે. પરંતુ તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 13 બોલમાં અણનમ 28 રન બનાવ્યા અને ટીમને મોટી જીત અપાવી. તેનો સ્ટ્રાઈક રેટ 215 હતો. 3 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો. મુંબઈની આ સતત 7મી હાર છે. આ સાથે જ ચેન્નાઈની બીજી જીત છે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 155 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ 7 વિકેટે 156 રન બનાવીને મેચ જીતી લીધી હતી. તેને જીતવા માટે છેલ્લા બોલ પર 4 રન બનાવવાના હતા. ધોનીએ જયદેવ ઉનડકટની બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. 
 
મેચની છેલ્લી ઓવરમાં CSKને જીતવા માટે 17 રન બનાવવાના હતા. ડાબા હાથના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે પ્રથમ બોલ પર પ્રિટોરિયસને આઉટ કરીને મુંબઈનો રસ્તો સરળ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજા બોલ પર ડ્વેન બ્રાવોએ એક રન લીધો હતો. હવે CSKને 4 બોલમાં 16 રન બનાવવાના હતા. ધોનીએ લોંગ ઓફ પર ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. આઈપીએલના ઈતિહાસમાં 20મી ઓવરમાં આ તેનો 51મો સિક્સ હતો. 20મી ઓવરમાં તેના કરતા વધુ સિક્સર અન્ય કોઈ બેટ્સમેન ફટકારી શક્યો નથી. તેણે ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. 5મા બોલ પર 2 રન બનાવ્યા. છેલ્લા બોલ પર તેણે શોર્ટ ફાઈન લેગ પર ચોગ્ગો ફટકારીને જીત અપાવી હતી. 
 
જાડેજાએ મેદાનમાં કર્યુ સેલ્યુટ 
આઈપીએલમાં કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાની આ બીજી જીત હતી. મેચ પુરી થયા બાદ તેણે મેદાન પર જ ધોનીને સલામી આપી હતી. એટલું જ નહીં, આખી ટીમે ધોનીને ગળે લગાવ્યો. CSKના ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ 19 રનમાં 3 વિકેટ ઝડપી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો. આ તેની આઈપીએલની ડેબ્યૂ સિઝન છે. ગયા વર્ષે તે આરસીબીનો નેટ બોલર હતો.