1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: મંગળવાર, 14 મે 2024 (07:12 IST)

શુભમન ગિલના નામે જોડાયો આ શરમજનક રેકોર્ડ, IPLના ઈતિહાસમાં ગુજરાત ટાઇટન્સ સાથે પહેલીવાર બન્યું આવું

Shubman gill
Gujarat Titans IPL 2024: ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે રમાઈ શકી ન હતી. આ સિઝનની આ પહેલી મેચ છે જે વરસાદને કારણે રદ્દ થઈ હતી. જેના કારણે ગુજરાત ટાઇટન્સ ટીમને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ રદ થવાને કારણે ગુજરાત ટાઇટન્સ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની ટીમ નવા કેપ્ટન સાથે આવી હતી. તેણે ટીમની કમાન શુભમન ગિલને આપી હતી, પરંતુ ટીમ આ સિઝનમાં કંઈ ખાસ કરી શકી નથી.

 
પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ
શુભમન ગિલ IPLમાં પ્રથમ વખત કેપ્ટન તરીકે રમી રહ્યો છે. આ સિઝનની શરૂઆતમાં, તેની ટીમ સારી રીતે રમી હતી, પરંતુ જેમ જેમ તે પ્લેઓફ તરફ આગળ વધતી ગઈ તેમ તેમ તેની ટીમના પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો. ગુજરાતની ટીમ તેની છેલ્લી 5 મેચમાં માત્ર 1 જીત નોંધાવી શકી છે. આ ખરાબ રમતના કારણે તેઓ આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની ગઈ છે. આ સાથે શુભમન ગિલના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે.
 
આ શરમજનક રેકોર્ડ શુભમન ગિલના નામ સાથે જોડાયેલો છે
ગુજરાત ટાઇટન્સ ટીમ 2022થી IPLમાં રમી રહી છે. પ્રથમ બે સિઝનમાં ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં હતી. આ સમયગાળા દરમિયાન ગુજરાત ટાઇટન્સ ટીમ બંને વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ હતી. ગુજરાત ટાઇટન્સે વર્ષ 2022માં ટાઇટલ પણ જીત્યું હતું અને 2023માં ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે તો ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સનો પહેલો કેપ્ટન બની ગયો છે, જેની કેપ્ટનશિપમાં ગુજરાતની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી.
 
IPL 2024માં અત્યાર સુધીનું પ્રદર્શન
ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતની ટીમે 5 મેચ જીતી છે, પરંતુ 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ પણ રદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે IPLમાં આ પહેલીવાર છે જ્યારે ગુજરાત ટાઇટન્સ ટીમ લીગ સ્ટેજમાં આટલી બધી મેચ હારી છે. આ પહેલા રમાયેલી બંને સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માત્ર 4-4 મેચ હારી હતી.