બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા 2024 વિશેષ
Written By
Last Modified: શનિવાર, 4 મે 2024 (12:36 IST)

જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન, ભાજપ વિરોધી મતદાનની હાંકલ કેટલી સીટો પર અસર કરશે

Kshatriya Asmita Mahasamelan
Kshatriya Asmita Mahasamelan

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ રાજપૂત સમાજની મહિલા અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં શરૂ થયેલા ક્ષત્રિય સમાજના આંદોલનના ભાગરૂપે જામનગર નજીક શુક્રવારે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં રાજપૂત સમાજના આગેવાનોએ નમવાની તૈયારી નથી હોવાનું જણાવી ભાજપ વિરોધી મતદાન કરવાની હાંકલ સમાજના ભાઇઓ-બહેનોને કરી હતી. ગામડે-ગામડે ધર્મરથ પછી પાર્ટ-3 આંદોલનમાં સમિતિ બનાવાશે તેમ જણાવ્યું હતું.

ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજયભરમાં ક્ષત્રિય સમાજનું આંદોલન વેગવાન બની રહ્યું છે. ત્યારે શુક્રવારે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા બાયપાસ પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં જામનગર સહિત ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજ, કરણીસેનાના આગેવાનો અને મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, મંત્રીઓએ સરકારને સમજાવાનો પ્રયાસ કર્યો હતો આમ છતાં કોઇ પરિણામ આવ્યું નથી ત્યારે સમાજ અંગે કરેલી ટિપ્પણી સામે નમવાની કોઇ તૈયારી નથી અને 7 મે ના મતદાનના દિવસે જય ભવાનીના નારા સાથે ભાજપ વિરોધી મતદાન કરવા રાજપૂત સમાજના ભાઇઓ અને બહેનોનો હાંકલ કરી હતી.
Kshatriya Asmita Mahasamelan
Kshatriya Asmita Mahasamelan

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાએ કહ્યું હતું કે, જાદુગર આવીને જાદુ કરવાની કોશિશ કરે. પણ એ જાદુ વિફલ રહે તે માટે આજે ફરી એક વખત ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં સમગ્ર જિલ્લામાંથી ક્ષત્રિય ભાઈઓ અને બહેનો આવ્યાં છે. અમે આજે શપથ લેશું ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના અને કરાવવાના. વડાપ્રધાન તરીકે તેમની ફરજ હતી જામસાહેબને મળવાની તે તેઓએ બજાવી છે અને જામસાહેબે પણ તેમની ફરજ નિભાવી છે. પણ તેનાથી આંદોલનને કંઈ ફરક નહીં પડે. કારણ કે તમે જોઈ શકો છો કે, આવા તડકામાં પણ અહિં મોટી સંખ્યામાં લોકો આવ્યાં છે. હમારી ભૂલ કમલ કા ભૂલ. ભાજપ વિરૂદ્ધ મતદાન કરશું અને કરાવીશું.
Kshatriya Asmita Mahasamelan
Kshatriya Asmita Mahasamelan

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થયા ત્યાં સુધી પાંચ લાખની લીડના શબ્દો ગૂંજતા હતા, પરંતુ તે પછી તરત જ ભાજપની આંતરિક જૂથબંધીને કારણે જે વિરોધ ફાટી નીકળ્યો અને રૂપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ ભડક્યો ત્યારથી ઘણીબધી બેઠકો પર ભાજપ માટે પડકાર છે. હવે ભાજપના નેતાઓ પાંચ લાખની લીડ એવું પોતાના ભાષણમાં બોલતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી તો પોતાની સભામાં ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની વાત કરે છે, પરંતુ હવે પાટીલ પણ પોતાના પ્રવચનમાં આ લીડની વાત દબાતા સ્વરે જ કરે છે. થોડા દિવસ પહેલાં સાબરકાંઠામાં યોજાયેલા સહકાર સંમેલનમાં જ પાટીલે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને કહ્યું કે આ ચૂંટણીમાં જો તમારા વિસ્તારમાં ઉમેદવારને પાંચ લાખની લીડ મળવામાં ઓટ આવે તેમ હોય તો તે તમે પૂરી કરી આપજો. ભાજપના નેતાઓ જ હવે માને છે કે વર્તમાન સ્થિતિમાં ભાજપના ઉમેદવારો માટે લીડ કરતાં જીત મહત્ત્વની થઇ ગઇ છે. ઘણી જગ્યાએ જ્ઞાતિઓને કારણે અને કેટલીક બેઠકો પર આંતરિક મુદ્દાઓને લઇને આ સ્થિતિ ઊભી થઇ છે.

કાર્યકરોથી સંતોષ અસંતુષ્ટ - થોડા સમય પહેલાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા હતા. તેમણે પણ કાર્યકરો અહીં ખાસ લોકસંપર્ક કરી શક્યા નથી અને ઉમેદવારોનો પ્રચાર ઘર-ઘર સુધી થઇ શક્યો નથી તે મામલે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે તે બાબતે શંકા પણ વ્યક્ત કરી હતી કે મતદાન નીચું જાય તો ભાજપ માટે સ્થિતિ વિકટ બની શકે.

ક્ષત્રિય સમાજની નારાજગી કેટલી સીટ પર કરશે અસર? 
 
રાજયની ૨૬ લોકસભા બેઠક પૈકી એકમાત્ર આણંદ બેઠક પર પાટીદાર વર્સીસ ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે. આણંદ લોકસભા બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ૧૧ વખત સીધી ટક્કર થઇ છે, જેમાં છ વખત ક્ષત્રિય અને ચાર વખત પાટીદાર તેમજ એક વખત સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. આ વખતે ક્ષત્રિય આંદોલન વચ્ચે સમીકરણો બદલાયા છે. અમિત ચાવડા આ વિવાદનો લાભ લઈ આ બેઠક જીતવા માટે કમરકસી રહ્યાં છે. અમિત ચાવડા આણંદ બેઠક પર કોંગ્રેસના મજબૂત ઉમેદવાર ગણાય છે. આણંદ લોકસભા બેઠક પર વર્ષ ૧૯૫૭થી લઇને વર્ષ ૨૦૧૯ સુધીમાં ૧૬ વખત થયેલી ચૂંટણીમાં ૧૦ વખત કોંગ્રેસનો વિજય થયો છે.
 
ગુજરાતમાં 26માંથી 26 લોકસભા બેઠકો જીતવા માટે ભાજપે જબરદસ્ત કમરકસી છે. એક સમયે ઉમેદવારાના ફાંફા હતા પણ કોંગ્રેસે ગુજરાતમાં કમબેક કર્યું છે. કોંગ્રેસ ભલે 10 સીટો જીતવાના દાવાઓ કરતી પણ ભાજપને ટેન્શન આવ્યું છે એ ફાયનલ છે.  આણંદમાં મોદીની સભામાં ઉમટેલી ભીડ છતાં રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિયો આંદોલનની અસર રાજકોટ બેઠક પર થાય કે નહીં, પરંતુ આણંદ બેઠક પર અસર થાય તો નવાઇ નહીં.અત્યાર સુધી આણંદ લોકસભા બેઠક વિસ્તારમાં જે ક્ષત્રિયો વચ્ચે ફાટફૂટ હતી તેઓ આ ચૂંટણીમાં એકજૂથ થયા છે. જો ક્ષત્રિય આંદોલનની અસર થઈ તો આ બેઠક પર ભાજપને સીધી અસર થશે. આણંદ લોકસભા બેઠક પર લગભગ ૬૦ ટકા ક્ષત્રિય મતદારો છે. આમ છતાં ભાજપને આશા છે કે નરેન્દ્ર મોદીના બુલડોઝર વચ્ચે ભાજપ અહી વન વે જીતશે અને સાંસદ મિતેષ પટેલ ફર રીપિટ થશે.