સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: બુધવાર, 10 એપ્રિલ 2019 (13:08 IST)

અલ્પેશ ઠાકોરના રાજીનામાની અટકળો વચ્ચે તેણે ગુજરાત છોડી દીધું, બઘું બરાબર હોવાનો કોંગ્રેસનો દાવો

મંગળવારે મળેલી ઠાકોર સેનાની કોર કમિટીમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  બીજી તરફ કોંગ્રેસે એવી આશા વ્યક્ત કરી છે કે અલ્પેશને મનાવી લેવામાં આવશે તેમજ ઘીના ઠામમાં ઘી પડી જશે. કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર ગમે ત્યારે કોંગ્રેસ છોડી શકે છે. જોકે, આ મામલે અલ્પેશ ઠાકોર તરફથી હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોંગ્રેસના તમામ પદો પરથી અલ્પેશના રાજીનામાની અટકળો વચ્ચે જૂનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ કહ્યું છે કે અલ્પેશ જો ભાજપમાં જોડાશે તો સૌરાષ્ટ્રમાં પક્ષને ફાયદો થશે. રાજેશ ચુડાસમાનું કહેવું છે અલ્પેશ ઓબીસી નેતા હોવાથી તે ભાજપમાં જોડાશે તો જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં બીજેપીને ફાયદો થશે.અલ્પેશના સમર્થક તેમજ વાવ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અલ્પેશની નારાજગી મુદ્દે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, "અલ્પેશ નારાજ હોવા અંગે મને કોઈ જાણ નથી. કોંગ્રેસે મને મારી ક્ષમતા કરતા વધારે આપ્યું છે. હું કોંગ્રેસથી નારાજ નથી."અલ્પેશ ઠાકોરની નારાજગી અને કોંગ્રેસ છોડવાની વાત વચ્ચે અલ્પેશને મનાવવાનું કામ કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયાને સોંપવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાલ અલ્પેશના સંપર્કમાં છે અને તેને સમજાવી રહ્યા છે. અલ્પેશની ઠાકોર સેનાથી છેડો ફાડીને રોયલ ક્ષત્રિય ઠાકોર સેના બનાવનારા રમેશ ઠાકોરે નિવેદન આપતા આક્ષેપ કર્યો છે કે, અલ્પેશ સમાજના નામે રાજનીતિ કરે છે. રમેશ ઠાકોરે જણાવ્યું કે, "અલ્પેશ સમાજના નામે રાજનીતિ કરે છે. વ્યક્તિગત લાભ માટે રાજનીતિ કરનાર અલ્પેશે હવે વિશ્વસનિયતા ગુમાવી દીધી છે. ઠાકોર સમાજ હવે અલ્પેશ ઠાકોરથી નારાજ થયો છે."