1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : સોમવાર, 10 જૂન 2024 (00:21 IST)

નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે ત્રીજીવાર લીધા શપથ, ગુજરાતમાંથી મંત્રીમંડળમાં કોની થઈ પસંદગી?

gujarat mantri
gujarat mantri
લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ નવી સરકારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળ સાથે શપથ લીધા છે. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લીધા છે.
 
સાંજે 7.15થી વડા પ્રધાન, કૅબિનેટકક્ષાના મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સૌને શપથ અપાવ્યાં હતાં.
 
કુલ 30 નેતાઓએ કૅબિનેટકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.
 
શપથગ્રહણ સમારોહમાં ભારતના પાડોશી દેશો સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ હાજર રહ્યાં હતાં.
 
ગુજરાતમાંથી પણ કેટલાક નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાંથી અને રાષ્ટ્રીય સ્તરે અનેક નેતાઓના પત્તાં કપાયાં છે.
 
એનડીએના સાથીપક્ષોમાંથી પણ કેટલાક નેતાઓને મંત્રીપદ મળ્યું છે.
 
ગુજરાતમાંથી કોને મળ્યું મંત્રીપદ, કોની થઈ બાદબાકી?
 
ગુજરાતમાંથી મંત્રી તરીકે અમિત શાહ, સી.આર.પાટીલ, ડૉ. મનસુખ માંડવિયા, અને એસ. જયશંકરનો સમાવેશ થયો છે.





 
 
અમિત શાહ, ડૉ. મનસુખ માંડવિયા તથા એસ. જયશંકરે કૅબિનેટકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.
 
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ કૅબિનેટકક્ષાના મંત્રી બનાવાયા છે.
 
આમ, ગુજરાતમાંથી કુલ ચાર મંત્રીઓ કૅબિનેટકક્ષાના મંત્રી બન્યા છે.
 
ભાવનગરથી પહેલી વાર ચૂંટાયેલા સાંસદ નીમુબહેન બાંભણિયા પણ રાજ્યકક્ષાના મંત્રી બન્યાં છે. તેમણે 4.55 લાખ મતોથી જીત મેળવી હતી.
 
જ્યારે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા રાજ્યકક્ષાના મંત્રી રહેલા દેવુસિંહ ચૌહાણની મંત્રીમંડળમાંથી બાદબાકી થઈ ગઈ છે.
 
એ સિવાય ગુજરાતથી ગત ટર્મમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રતિનિધિત્ત્વ કરનાર દર્શના જરદોશ અને ડૉ. મહેન્દ્ર મુંજપરાને તો આ વખતે ટિકિટ જ આપવામાં આવી ન હતી. આથી, તેમણે ચૂંટણી લડી ન હતી.
 
રાષ્ટ્રીય સ્તરે કોણ નવા ચહેરાઓ સામેલ?
 
મોદી કૅબિનેટમાં અમિત શાહ, એસ. જયશંકર, રાજનાથસિંહ, નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન જેવા નેતાઓનું સ્થાન યથાવત્ રહ્યું છે.
 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ 'મોદી કૅબિનેટ'માં સ્થાન મળ્યું છે. તેના કારણે ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો થશે તેવું મનાઈ રહ્યું છે.
 
ગત ટર્મમાં ભાજપની સરકારમાં અગત્યની ભૂમિકા ભજવનાર નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ તથા અશ્વિની વૈષ્ણવને પણ કૅબિનેટમાં ફરીથી સ્થાન મળ્યું છે.
 
પૂર્વ મુખ્ય મંત્રીઓને પણ નવી સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર અને આસામના પૂર્વ મુખ્ય મંત્રી સર્વાનંદ સોનોવાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણેય નેતાઓને કૅબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે.
 
આ સિવાય ગજેન્દ્રસિંહ શેખાવત, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેણ રિજિજૂ, ગિરિરાજ સિંહે પણ કૅબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.
 
નીતીશ કુમાર અને નાયડુના પક્ષમાંથી કેટલા લોકો સામેલ?
 
ભાજપને વડા પ્રધાન મોદીના નેતૃત્ત્વમાં ત્રીજીવાર સરકાર બનાવવા માટે સાથીપક્ષોની જરૂર છે. આથી સૌની નજર તેના પર મંડાયેલી હતી કે નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુના પક્ષમાંથી કેટલા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળે છે.
 
એનડીએના સહયોગી પક્ષ જેડીએસના એચડી કુમારાસ્વામીને કૅબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે.
 
હિન્દુસ્તાની આવામ મોર્ચાના અધ્યક્ષ જીતનરામ માંઝી પણ કૅબિનેટ મંત્રી બન્યા છે.
 
નીતીશ કુમારના પક્ષ જનતા દળ (યુનાઇટેડ) પાસે કુલ 12 સંસદસભ્યો છે. જેડીયુના નેતા રાજીવરંજનસિંહે (લલ્લનસિંહ) પણ કૅબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.
 
ચંદ્રાબાબુ નાયડુના પક્ષ તેલુગુ દેશમ પાર્ટીના 16 સંસદસભ્યો ચૂંટાયા છે. ટીડીપીના કે. રામમોહન નાયડુને કૅબિનેટકક્ષાના મંત્રી બનાવાયા છે.
 
લોકજનશક્તિ(રામવિલાસ) પક્ષમાંથી ચિરાગ પાસવાનને મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તથા તેમને પણ કૅબિનેટ કક્ષાના મંત્રીનું પદ મળ્યું છે.
 
રાષ્ટ્રીય લોકદળના નેતા અને પ્રમુખ જયંત ચૌધરીને રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવાયા છે. તેઓ રાજ્યસભાના સાંસદ છે.
 
એનડીએના સહયોગી દળ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલે, કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે.
 
સહયોગી પક્ષો સાથે તાલમેલ
લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 બેઠક મળી છે, પણ ભાજપને 240 બેઠક મળી છે.
 
હવે એનડીએમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના પ્રમુખ નીતીશકુમાર મહત્ત્વના સાથીદાર છે અને કહેવાઈ રહ્યું છે કે બંનેની ભૂમિકા મહત્ત્વની રહેશે.
 
2019 અગાઉ ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ મામલે એનડીએથી અલગ થઈ ગયા હતા.
 
તો બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર પણ ઘણા લાંબા સમયથી રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માગ કરી રહ્યા છે. જેડીયુ રાષ્ટ્રીય સ્તરે જાતિઆધારિત ગણતરીની પણ માગ મૂકી શકે છે.
 
બંને પક્ષો આ સરકારમાં પોતાની માગ પણ વધુ ભાર મૂકી શકે છે, જોકે બંનેનું કહેવું છે કે તેઓ કોઈ પણ શરત વિના મોદી 3.0 સરકારને સમર્થન આપી રહ્યા છે.
 
પરંતુ જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ અગ્નિવીર યોજના પર પુનર્વિચાર કરવાની માગ કરી છે, જેનું સમર્થન ચિરાગ પાસવાને પણ કર્યું છે.
 
આ સંજોગોમાં સાથીપક્ષોના ટેકાથી રચાયેલી સરકાર અને મંત્રીમંડળમાં તેમના સમાવેશથી સરકાર કેવી રીતે ચાલે છે તેના પર સૌની નજર રહેશે.