મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: રવિવાર, 9 જૂન 2024 (00:58 IST)

જયરામ રમેશે કહ્યું, 'ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને શપથવિધિનું હજુ સુધી આમંત્રણ નથી મળ્યું'

કૉંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ માટે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓને આમંત્રણ મળ્યું નથી.
 
જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "આવતીકાલે (9 જૂન)ના શપથગ્રહણ સમારોહ માટે માત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. અમને હજુ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી."
 
"જ્યારે અમારા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને આમંત્રણ મળશે,તો અમે તેના પર વિચાર કરીશું."
 
એનડીએ ગઠબંધનના નેતા નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીનું શપથગ્રહણ રવિવારે સાંજે થશે.
 
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન લોકસભા ચૂંટણીમાં 293 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના 234 સાંસદો જીતીને લોકસભામાં પહોંચ્યા છે.
 
શનિવારે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળવાની અપીલ કરવામાં આવી છે.
 
'રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ', કૉંગ્રેસની બેઠકમાં કરવામાં આવી અપીલ
 
કૉંગ્રેસની વિસ્તરણ પામેલી કાર્યસમિતિની આજે બેઠક થઈ હતી. તેમાં 2024ની લોકસભા ચૂંટણીનાં પરિણામો તથા કૉંગ્રેસની હવે પછીની રણનીતિ પર ચર્ચા થઈ હતી.
 
આ બેઠકની અધ્યક્ષતા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી.
 
બેઠક બાદ કેસી વેણુગોપાલે કહ્યું હતું ક કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને લોકસભામાં નેતા વિપક્ષ બનવાની અપીલ કરવામાં આવી છે.
 
કેસી વેણુગોપાલે કહ્યું, "કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ એકમત થઈને રાહુલ ગાંધીને વિપક્ષના નેતાનું પદ લેવા માટે અપીલ કરી છે. પક્ષના તમામ નેતાઓ આ મતે એકમત છે. વર્કિંગ કમિટી ઈચ્છે છે કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બને."
 
"લોકસભા ચૂંટણીમાં અમે ખેડૂતો, મહિલાઓ, સામાજિક ન્યાય, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ ઉઠાવ્યા છે. લોકસભામાં પણ આ મુદ્દાઓ ઉઠાવવાની જરૂર છે જેના માટે રાહુલ ગાંધીથી ઉત્તમ વ્યક્તિ કોઈ ન હોઈ શકે. "
 
કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, "મજબૂત વિપક્ષની ભૂમિકા અને બંધારણની રક્ષા માટે રાહુલ ગાંધીની જરૂર છે અને તેમના નેતૃત્ત્વમાં જ આ લડાઈ આગળ વધી શકે છે."
 
બેઠક પહેલાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાએ આ અંગે કહ્યું હતું કે અનેક સાંસદો એ માગ કરી રહ્યા છે કે રાહુલ ગાંધીએ આ જવાબદારી ઉઠાવવી જોઈએ.
 
આ અંગે શુક્લાએ કહ્યું હતું કે, “આ વાત રાહુલ ગાંધી પર નિર્ભર કરે છે. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં તેઓ આ પદને સંભાળે. આ સરકાર નબળી છે. ભાજપની સરકાર ગઠબંધનની છે. ભાજપને સ્પષ્ટ જનાદેશ મળ્યો નથી. આવી સરકારની અનેક મજબૂરીઓ હોય છે. જનતાએ મજબૂત વિપક્ષ આપ્યો છે અને તે તેની જવાબદારી નિભાવશે.”
 
અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ પક્ષે લોકસભામાં 99 બેઠકો પર વિજય મેળવ્યો છે અને 10 વર્ષ બાદ તેને લોકસભામાં નેતા વિપક્ષનું પદ મળશે.