સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 21 જૂન 2022 (16:16 IST)

શિવસેના સંકટ : એ ચાર કારણો જેના કારણે મહારાષ્ટ્રની સરકાર પર ખતરો તોળાયો

મહારાષ્ટ્રના રાજકારણનો ખરો ખેલ હવે ગુજરાતના સુરતમાં ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની ગઠબંધન સરકાર પર ખતરો તોળાઈ રહ્યો છે.
 
વિધાનપરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ મંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ તેમના પક્ષ સાથેનો સંપર્ક તોડી નાખ્યો છે. એકનાથ શિંદે સુરત આવી ગયા છે અને તેની સાથે 11 જેટલા શિવસેનાના ધારાસભ્યો પણ છે.
 
સુરતની લા મેરિડેન હોટલમાં હાલ બધા ધારાસભ્યો છે અને બીજી તરફ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સરકાર બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
 
પરંતુ શિવસેનાના સિનિયર અને ઠાકરે પરિવારની નજીક ગણાતા એકનાથ શિંદે એકાએક કેમ બળવો કરવાના મૂડમાં આવી ગયા, શું છે તેની પાછળનાં કારણો?
 
 
1. એકનાથના ભાજપ સાથે સારા સંબંધો અને ભવિષ્યનો વિચાર
મહારાષ્ટ્રના રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે એકનાથ શિંદે ભવિષ્યનો વિચાર કરીને ભાજપ સાથે જવાનું વિચારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
 
લોકસત્તાના પોલિટિક એડિટર સંતોષ પ્રધાનનું કહેવું છે કે ભાજપ અને શિંદે વચ્ચે સારા સંબંધો છે.
 
તેમનું કહેવું છે, "થાણે જિલ્લો એકનાથ શિંદેનો ગઢ ગણાય છે અને શિંદેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે સારા સંબંધો છે. શિંદે ખુદ ઇચ્છતા હતા કે શિવસેના ભાજપ સાથે ગઠબંધન બનાવે."
 
"તેમના પુત્ર હાલ સંસદ સભ્ય છે અને આવી સ્થિતિમાં તેઓ પોતાના પુત્ર અને ખુદના ભવિષ્યનું પણ વિચારી રહ્યા હશે."
 
તેમણે કહ્યું, "એકનાથ શિંદે પાસે હાલ ગઠબંધનની સરકારમાં શહેરીવિકાસ વિભાગ છે પરંતુ તેનું ખાસ મહત્ત્વ નથી. શિવસેનામાં કોઈ નેતા મોટો બની જાય તો તેમની પાંખો કાપી લેવાય છે. શિંદેને દેવેન્દ્ર ફડણવીસ સાથે સારા સંબંધો છે અને થોડા સમય પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત થાણેમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા."
 
2. સારું કામ કર્યું છતાં યશ ન મળ્યો?
રાજકીય નિષ્ણાત હેમંત દેસાઈનું કહેવું છે, " થોડા દિવસો પહેલાં ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે અયોધ્યાની મુલાકાતે હતા. આ મુલાકાતનું આયોજન સાંસદ સંજય રાઉત અને શહેરીવિકાસ વિભાગના મંત્રી એકનાથ શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું. આટલા મોટા નેતાને આવી મુલાકાતનું કામ સોંપવામાં આવ્યું તેની પણ નારાજગી હશે."
 
"એકનાથ શિંદે શિવસેનાની એનિવર્સરી ઉપર આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં પણ બોલ્યા ન હતા. મહત્ત્વના નેતા હોવા છતાં તેમણે પક્ષના કાર્યકર્તાને સંબોધિત કર્યા ન હતા."
 
"મહારાષ્ટ્રમાં કેન્દ્રીય એજન્સીઓના દુરોપયોગ સામે શિવસેનાના નેતાઓ હંમેશાં બોલતા રહ્યા છે, પરંતુ શિંદે આ સંદર્ભે ભાજપની આકરી ટીકા કરતા જોવા મળ્યા નથી."
 
"સંજય રાઉતે પણ એવી નારાજગી વ્યક્ત કરી હતી કે સરકારમાં રહેલા લોકો જ આ મામલે બોલતા નથી."
 
3. શંકાઓનું સમાધાન કરવામાં આવ્યું નહીં
દેસાઈનું કહેવું છે, "કોરોનાકાળમાં અને માંદગીના સમયે ઉદ્ધવ ઠાકરે સાથે કોઈ સંપર્ક કરી શકતું ન હતું. એ સમયે એકનાથ શિંદેને પક્ષમાં શંકાની નજરે જોવામાં આવતા હતા."
 
"શિંદેએ શક્તિપ્રદર્શન પણ કર્યું હતું, પક્ષમાં આટલા મોટા નેતાની શંકાઓનું સમાનધાન કરવામાં આવ્યું નહીં. સંજય રાઉત મીડિયા સાથે દરરોજ વાત કરતા હતા પરંતુ તેઓ મહારાષ્ટ્રની સરકારમાં ન હતા. ભાજપ જેવો મજબૂત વિપક્ષ જ્યારે સામે હતો ત્યારે શિંદેને મોટી જવાબદારી આપવાની જરૂર હતી."
 
દેસાઈનું કહેવું છે, "મહારાષ્ટ્રમાં સમૃદ્ધી હાઇવેનો શિવસેનાએ શરૂઆતમાં વિરોધ કર્યો હતો, પરંતુ સત્તામાં આવ્યા બાદ એકનાથ શિંદેના વિભાગે તેનું કામ રેકૉર્ડ ટાઇમમાં પૂરું કરી બતાવ્યું. જોકે, તેની ક્રેડિટ પણ તેને આપવામાં આવી નહીં."
 
4. અપેક્ષા પૂરી ન થવાનું દુખ
મુખ્યમંત્રી પદ માટે એકનાથ શિંદેનું નામ હતું, પરંતુ જ્યારે ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવામાં આવ્યા ત્યારે તેમનું નામ પાછળ રહી ગયું
મુખ્યમંત્રી પદ માટે એકનાથ શિંદેનું નામ હતું, પરંતુ જ્યારે ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવામાં આવ્યા ત્યારે તેમનું નામ પાછળ રહી ગયું
 
દેસાઈનું કહેવું છે કે શરૂઆતમાં એકનાથ શિંદેનું નામ મુખ્ય મંત્રીની રેસમાં આગળ હતું પરંતુ જેવું ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રી બનવાનું નક્કી કર્યું કે તેમનું નામ પાછળ જતું રહ્યું.
 
"એકનાથ શિંદેનું નામ જ્યાં મુખ્ય મંત્રી તરીકે ચર્ચાતું હતું એની જગ્યાએ ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બની ગયા. એ શિંદે માટે અપેક્ષા ભંગ કરનારી બાબત હતી. જોકે આ મામલે તેઓ ક્યારેય બોલ્યા નહીં પરંતુ તેમના માટે આ એક નુકસાન હતું."
 
હાલ મહારાષ્ટ્રના રાજકારણની હલચલ સુરતમાં થઈ રહી છે અને બીજી તરફ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સરકાર બચાવવાના પ્રયત્નમાં છે. શિવસેનાનું કહેવું છે કે તેમની સરકારને કોઈ ખતરો નથી.