મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (01:24 IST)

જો લાલા લજપતરાયે ન કર્યુ હોત આ કામ તો આજે પણ હોત ભારત ગુલામ

21 વર્ષીય ભગત સિંહે પોતાના મિત્રો સુખદેવ અને રાજગુરુ સાથે મળીને અંગ્રેજો સામે એવો પ્લાન બનાવ્યો કે અંગ્રેજ અધિકારી સાર્જન્ટ સાન્ડર્સના મોતની સાથે દેશની સંસદ પણ હચમચી ગઈ.
 
ભગતસિંહ અંગ્રેજો સામે અવાજ ઉઠાવવા માટે જે એક તક શોધી રહ્યા હતા, તે લાલા લજપત રાયના મૃત્યુથી તેમને મળી હતી. આમ ભલે ખુદને નાસ્તિક ગણાવતા ભગતસિંહ અને આર્ય સમાજમાં માનનારા લાલા લજપત રાય વચ્ચે મતભેદ હતા. પરંતુ આઝાદ દેશનુ સપનુ બંનેનુ એક જેવુ જ હતુ. 
 
એકબાજુ  પંજાબના દરેક યુવાનો લાલા જીના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા તો બીજી બાજુ ભગતસિંહ પણ તેમને પોતાના ગુરુ માનતા હતા.
 
એક સફળ વકીલ, જાણીતા આર્યસમાજી, શિક્ષણશાસ્ત્રી, જેમણે સૌપ્રથમ સ્વદેશી 'પંજાબ નેશનલ બેંક'ની સ્થાપના કરી અને હિન્દી-ઉર્દૂ-પંજાબી ભાષાને પ્રોત્સાહન આપ્યું, આ બધા લાલા જીના વ્યક્તિત્વના અનેક પાસાઓ છે. આમાંનું એક પાસું એ છે કે જેણે ભગતસિંહને અંગ્રેજો સામે લડવાની શક્તિ પણ આપી.
 
વાત વર્ષ 1928ની છે. ત્યાં સુધીમાં લાલા લજપત રાયે વકીલાત છોડી દીધી હતી અને સ્વતંત્રતા સંગ્રામનો હિસ્સો બની ગયા હતા. તે જ વર્ષે, અંગ્રેજોએ ભારતમાં તેમના કાયદા સુધારવા માટે સાયમન કમિશનની રચના કરી. 1928 માં, બંધારણીય સુધારાઓ હેઠળ, અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલ સાયમન કમિશન ભારતમાં આવ્યું. ત્યારે માત્ર લાલાજી તેના વિરોધમાં આગળ આવ્યા.
 
તેઓ જાણતા હતા કે આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ નથી, તેથી આનાથી ભારતીયોને ફાયદો પહોંચાડવો શક્ય નથી. જ્યારે સાયમન કમિશન 30 ઓક્ટોબર, 1928ના રોજ લાહોર પહોંચ્યું, ત્યારે લોકોનો વિરોધ અને ગુસ્સો દર્શાવવા માટે, લાલા લજપત રાય સાથે ઘણા ક્રાંતિકારીઓએ લાહોર રેલ્વે સ્ટેશન પર જ 'સાયમન ગો બેક' ના નારા લગાવ્યા. ત્યાં સાર્જન્ટ સાન્ડર્સના નેતૃત્વમાં બ્રિટિશ પોલીસે આંદોલનને રોકવાનો પ્રયાસ કર્યો. આખરે અંગ્રેજોએ લાઠીચાર્જ શરૂ કર્યો.
 
લાઠીચાર્જમાં લાલા લજપત રાય ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 18 દિવસ સુધી લડ્યા બાદ 17 નવેમ્બર 1928ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
 
તેમણે જતાં જતાં અનેક યુવા ક્રાંતિકારીઓના મનમાં આક્રોશ ભરી દીધો. લાલા જીના મૃત્યુનો બદલો લેવા માટે ભગતસિંહે સુખદેવ અને રાજગુરુ સાથે મળીને સાર્જન્ટ સાન્ડર્સને મારવાનું નક્કી કર્યું.
 
ઘાયલ અવસ્થામાં લાલા લજપત રાયના છેલ્લા શબ્દો હતા - 'મારા શરીર પર પડેલી દરેક લાકડી બ્રિટિશ સરકારના તાબૂતમાં એક એક ખીલાનુ કામ કરશે.'
 
અને અહીંથી  થાય છે ભારતમાં અંગ્રેજ શાસનનો અંત થવાની શરૂઆત