મુંબઈમાં આયાતી ટ્રેડમિલમાં છુપાયેલું 1 કરોડનું સોનું જપ્ત, બેની ધરપકડ
મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ચીની નાગરિકો દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, આયાતી ટ્રેડમિલમાં છુપાયેલું રૂ. ૧.૧૦ કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે: એક ચીની નાગરિક અને બીજો આયાત કંપની સાથે સંકળાયેલો. DRI અનુસાર, તપાસમાં બહાર આવ્યું છે કે ચીની નાગરિકોના એક જૂથે તેમના ભારતીય સહયોગીઓ સાથે મળીને ભારતમાં સોનાની દાણચોરી કરવાની સુનિયોજિત રણનીતિ ઘડી હતી.
આ યોજનામાં કાયદેસર વ્યાપારી માધ્યમો દ્વારા આયાત કરાયેલ મશીનરીમાં સોનું છુપાવવાનો સમાવેશ થતો હતો. તેમણે જણાવ્યું હતું કે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, DRI અધિકારીઓએ મુંબઈના એર કાર્ગો કોમ્પ્લેક્સમાં હોંગકોંગથી આયાતી ટ્રેડમિલના કન્સાઇન્મેન્ટને અટકાવ્યું અને તેનું નિરીક્ષણ કર્યું.
