ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 જૂન 2022 (15:27 IST)

નૂપુર શર્મા : ભાજપે મુસ્લિમ દેશોના હોબાળા બાદ જેનું સભ્યપદ રદ કરી નાખ્યું એ નૂપુર શર્મા કોણ?

ભારતીય જનતા પાર્ટીનાં નેતા નૂપુર શર્મા પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. વિશ્વભરના મુસ્લિમ દેશો તેમની ટિપ્પણીને લઈને ભારત અને ભાજપ બંનેનો વિરોધ કરી રહ્યા છે.
 
1985માં 23 એપ્રિલના રોજ જન્મેલાં નૂપુર શર્મા વ્યવસાયિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે શાળાકીય અભ્યાસ દિલ્હીના મથુરા રોડ પર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી કર્યો છે.
 
જ્યારે દિલ્હીના હિંદુ કૉલેજમાંથી ઇકોનૉમિક ઑનર્સમાં ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું છે.
 
વર્ષ 2010માં તેમણે દિલ્હી યુનિવર્સિટીની લૉ-ફૅકલ્ટીમાંથી એલએલબીની પદવી મેળવી હતી. ત્યાર બાદ યુકેમાંથી એલએલએમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
 
તેઓ કૉલેજકાળથી રાજનીતિમાં સક્રિય રહ્યાં છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનનાં પ્રેસિડન્ટ પણ રહ્યાં છે.
 
નૂપુર શર્માએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપથી કરી હતી અને અત્યાર સુધી તેઓ ઘણાં મહત્ત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યાં છે.
 
તેઓ ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાનો એક જાણીતો ચહેરો પણ છે.
 
ભાજપે વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમને નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સામે ટિકિટ આપી હતી. જોકે, કેજરીવાલે તેમને જંગી સરસાઈ હરાવ્યાં હતાં.
 
નૂપુર શર્મા દિલ્હી ભાજપમાં સ્ટેટ ઍક્ઝિક્યુટિવ કમિટીનાં સભ્ય છે અને તેમને સસ્પેન્ડ કરાયાં તે પહેલાં તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાં હતાં.
 
શું છે સમગ્ર મામલો?
નૂપુર શર્માએ 'ટાઇમ્સ નાઉ ચૅનલ'ની એક ડિબેટમાં ભાગ લીધો હતો.
 
આ ચર્ચા જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને યોજવામાં આવી હતી. પોતાનો વારો આવતાં તેમણે એક એવી ટિપ્પણી કરી કે જેને લઈને સમગ્ર વિવાદ ઊભો થયો.
 
નૂપુર પર આરોપ લગાવવામાં આવ્યો કે તેમણે પયગંબર મહમદ પર આપત્તિજનક ટિપ્પણી કરી.
 
જોકે, નૂપુરનો દાવો હતો કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.
 
તેમણે દાવો કર્યો હતો કે તેમના પરિવારને ઇસ્લામિક કટ્ટરવાદીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.
 
આ અંગે તેમણે ટ્વીટર દ્વારા દિલ્હી પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદથી આ મામલો ઉગ્ર બન્યો હતો અને આરબ દેશો સુધી પહોંચ્યો હતો.
 
કતાર, કુવૈત જેવા દેશોએ ભારતીય રાજદૂતોને સમન્સ પાઠવવાની સાથેસાથે સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર ભારતના બહિષ્કાર અને નૂપુર શર્માની ધરપકડને લઈને પોસ્ટ પણ કરી હતી.