રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (08:01 IST)

ઓમિક્રોન પહોંચ્યો ભારત, દક્ષિણ આફ્રિકામાં નવા વૅરિયન્ટથી એક જ દિવસમાં કોરોનાના કેસ બમણા

ભારતમાં પહેલી વાર કોવિડ-19ના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના બે કેસ નોંધાયા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, બંને કેસ કર્ણાટકમાં નોંધાયા છે
 
આ બંને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં જે લોકો આવ્યા છે, તેમની પણ ઓળખ કરીને ટેસ્ટ કરાઈ રહ્યા છે.
 
સરકારે કહ્યું કે ઓમિક્રૉનને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ જાગરૂકતા ખાસ જરૂરી છે.
 
ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ભારતમાં ઓમિક્રૉન સંક્રમણના બે કેસની પુષ્ટિ કરી હતી.
 
સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકારપરિષદમાં લવ અગ્રવાલે કહ્યું કે ગત રાતે INSACOGએ કર્ણાટકમાં કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત બે કેસની પુષ્ટિ કરી છે.
 
તેમણે જણાવ્યું કે એક 66 વર્ષીય અને 46 વર્ષીય વ્યક્તિને ઓમિક્રૉનનો ચેપ લાગ્યો છે.
 
લવ અગ્રવાલે જણાવ્યું કે હાલ એ તપાસ કરાઈ રહી છે કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં કેટલા લોકો આવ્યા છે.
 
તેમણે કહ્યું કે નીજતાને કારણે તેમની ઓળખ જાહેર નહીં કરાય.
 
લવ અગ્રવાલે કહ્યું કે જે બે લોકોમાં ઓમિક્રૉન જોવા મળ્યો છે એ બંને દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા અને તેમનામાં સામાન્ય લક્ષણો જોવાં મળ્યાં છે.
 
તેમણે કહ્યું કે "દુનિયામાં અત્યાર સુધીમાં ઓમિક્રૉનના જેટલા કેસ મળ્યા છે, એમાં ગંભીર લક્ષણો જોવાં મળ્યાં નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે ઓમિક્રૉન સંક્રમણ અંગે હજુ વધુ જાણકારી એકત્ર કરાઈ રહી છે."
 
દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં કેસ બમણા થયા
દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્યઅધિકારીઓના જણાવ્યા અનુસાર દેશમાં ઓમિક્રૉન વાઇરસના કેસ એક જ દિવસમાં બમણા થઈ ગયા છે.
 
દક્ષિણ આફ્રિકામાં બુધવારે કોરોના વાઇરસના સંક્રમણના નવા 8500 કેસ નોંધાયા છે. મંગળવારે દેશમાં કોરોના વાઇરસના નવા 4300 કેસ નોંધાયા હતા.
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર અત્યાર સુધી વિશ્વનાં 24 રાષ્ટ્રોમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનની હાજરી નોંધાઈ છે.
 
હાઇલી મ્યુટેડ વૅરિયન્ટ ઓમિક્રૉને સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં દેખા દીધી હતી. ભારત, ઘાના, સાઉદી અરેબિયા તથા યુએઈ એવા નવા દેશો છે, જ્યાં આ વૅરિયન્ટ પહોંચી ગયો છે. આ ઉપરાંત યુકે, યુએસ અને જર્મની જેવા દેશોમાં પણ આ વૅરિયન્ટની હાજરી નોંધાઈ છે.