1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 5 જુલાઈ 2021 (16:26 IST)

પત્રકાર એક સાચો સામાજિક કાર્યકર્તા છે : મેયર જ્યોત્સના હસનાલે

જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્ર દ્વારા આયોજિત પત્રકાર માર્ગદર્શન શિબિરનું આયોજન શુક્રવાર 2 જુલાઈ 2021ના અંબર પ્લાઝા હૉલ, મીરા રોડ, થાણે ખાતે કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ મીરા-ભાયંદર મહાપાલિકનાં મેયર જ્યોત્સના હસનાલે હતાં અને તમના હસ્તે દીપ પ્રગટાવી પત્રકાર માર્ગદર્શન શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે પત્રકારોને આરોગ્ય કાર્ડ, રેઇનકોટ, છત્રી અને ભારતીય બંધારણનું પુસ્તક વિતરીત કરાયું હતું.

આ અવસરે મેયર જ્યોત્સના હસનાલે, પાલિકા કમિશનર દિલીપ ઢોલે, પોલીસ કમિશનર અમિત કાળે, જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્રના અધ્યક્ષ નારાયણ પાંચાલ, ઉપાધ્યક્ષ કે. રવિ, ખજાનચી દિલીપ એન. પટેલ, મીરા-ભાયંદર મનપા યુનિટના અધ્યક્ષ વિજય મોરે, સેક્રેટરી નીલેશ ફાપાલે, સંગઠક પ્રમોદ દેઠે, ઉપાધ્યક્ષા સીમા ગુપ્તા, ઉપાધ્યક્ષ પ્રેમ યાદવ, કાનૂની સલાહકાર ઍડવોકેટ લક્ષ્મણ આસલે અને ઍડવોકેટ નામદેવ કાશિદ, મહેબૂબ કુરેશી, વિશ્વનાથ અને સંસ્થાના તમામ પદાધિકારી, સ્થાનિક પત્રકારો, તંત્રીઓ અને ન્યુઝ ચૅનલોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.  ઉપરાંત થાણેની શિવનેર હોસ્પિટલના બિઝનેસ હેડ અનંત પાંડે પણ ઉપસ્થિત હતા, તેમના તરફથી પત્રકારોને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતા, જેના થકી આ હોસ્પિટલમાં તેમને ઇલાજ માટે 50 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. કાર્યક્રમનું સંચાલન પત્રકાર રાજેશ જાધવ અને સતીશ સાટમે ખૂબ જ સુંદર અંદાજમાં કર્યુ હતું. પત્રકારોને પ્રોફેસર હેમંત સામંતે માર્ગદર્શન આપ્યુ હતું.
 
આ અવસરે મેયર જ્યોત્સના હસનાલેએ કહ્યું કે, પત્રકાર એક સાચ્ચો સામાજિક કાર્યકર્તા છે જે હંમેશ સમાજ માટે કામ કરતો હોય છે. કોરોના મહામારી દરમિયાન પણ પરિવારની પરવા કર્યા વિના સમાજને સકારાત્મક સમાચાર આપવાનું કાર્ય હકીકતમાં પ્રસંશનીય છે.
 
કાર્યક્રમની અધ્યક્ષતા નારાયણ પાંચાલે કરી હતી. મીરા-ભાયંદર મહાનગર પાલિકામાં કાર્યરત પત્રકારોને સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ થશે પ્રશ્નના જવાબમાં અનેક મુદ્દાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી. અને સવાલ ઉપસ્થિત કરાયા હતા કે થાણેના પત્રકારોને ઘર મળ્યા, નવી મુંબઈમાં પ્રેસ ક્લબ બનાવવા પ્લૉટ અનામત કરાયો, થાણે મહાપાલિકા વિસ્તારમાં  પાલિકા દ્વારા દરેક કેબલ ચૅનલ પર અને સ્થાનિક અખબારોમાં હજારો જાહેરાત અપાય છે. અધ્યક્ષ વિજય મોરેએ સંસ્થા દ્વારા માગણી કરી હતી કે અહીંના પત્રકારોને ઘર, પાલિકા દ્વારા જાહેરાતો, નિશુલ્ક સ્વાસ્થ્ય સેવા, પાલિકા પરિવહન સેવામાં નિશુલ્ક યાત્રા, પત્રકારોના બાળકોને નિશુલ્ક શિક્ષણ અને છાત્રવૃત્તિ યોજના અને પ્રેસ રૂમમાં લૉકર વરસોથી બંધ છે એ તાત્કાલિક અખબારોને ફાળવવામાં આવે. આ સુવિધા મીરા-ભાયંદરના પત્રકારોને ક્યારે મળશે?આના જવાબમાં મેયરે જણાવ્યું કે અમે પાલિકા કમિશનર દિલીપ ઢોલે સાથે ચર્ચા કરશું અને હું મારા કાર્યકાળ દરમિયાન પત્રકારોની તમામ માગણીઓ પૂરી કરવાનો પ્રયાસ કરીશ.