બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 11 માર્ચ 2020 (09:36 IST)

સિંધિયા ખાનદાનની પરંપરા, જ્યોતિરાદિત્ય સિંધિયાની દાદીએ પણ કોંગ્રેસને ઉથલાવી હતી

મધ્ય પ્રદેશમાં કૉગ્રેસની વર્તમાન સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં છે. કૉંગ્રેસથી નારાજ પાર્ટીના મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ લખ્યું કે "મારા જીવનનો ઉદ્દેશ શરૂઆતથી પોતાના રાજ્ય અને દેશની લોકોની સેવા કરવાનો રહ્યો છે. મને લાગે છે કે આ પાર્ટી (કૉંગ્રેસ)માં રહીને હું આ કામ કરી શકતો નથી."
 
અગાઉ તેઓએ સોમવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. તો કૉંગ્રેસના નેતા કે. સી. વેણુગોપાલે જાહેરાત કરી કે કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તાત્કાલિક અસરથી જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીમાંથી બરતરફ કર્યા છે. ઉલ્લેખનીય છે કે કમલનાથ સરકારમાં છ પ્રધાન સહિત સિંધિયા કૅમ્પના 19 ધારાસભ્યોએ વિધાનસભમાં પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધાં છે.
સિંધિયા પરિવાર અને રાજકારણ 
 
આઝાદ ભારતમાં સિંધિયા પરિવારનો રાજનૈતિક સંબંધ કૉંગ્રેસ અને ભાજપ બન્ને સાથે રહ્યો છે. રાજમાતા વિજયા રાજે સિંધિયા જનસંઘની ચૂંટણી લડ્યાં હતાં. 1950ના દાયકામાં ગ્વાલિયરમાં હિંદુ મહાસભાની પકડ હતી. મહારાજા જીવાજીરાવ સિંધિયાએ પણ હિંદુ મહાસભાને સરંક્ષણ આપ્યું હતું. આ કારણે અહીં કૉંગ્રેસ નબળી હતી. એ સમયે એવું કહેવાતું કે કૉંગ્રેસ ગ્વાલિયર રાજપરિવાર વિરુદ્ધ સખત પગલાં લઈ શકે છે.
દરમિયાન રાજમાતા સિંધિયાની મુલાકાત વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે થઈ. આ મુલાકાત બાદ વિજયા રાજે સિંધિયા કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા તૈયાર થયાં હતાં.
 
વિજયા રાજે સિંધિયા 1957માં ગુના લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યાં અને હિંદુ મહાસભાના ઉમેદવારને હરાવ્યા. જોકે, કૉંગ્રેસ સાથે વિજયા રાજેના સંબંધ સારા ન રહ્યા. 1967માં મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં પંચમઢી ખાતે યુવક કૉંગ્રેસનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. આ સંમેલનનું ઉદઘાટન ઇંદિરા ગાંધીએ કર્યું હતું. રાજમાતા વિજયા રાજે સિંધિયા આ સંમેલનમાં મુખ્ય મંત્રી દ્વારકા પ્રસાદ મિશ્રાને મળવા પહોંચ્યાં હતાં. મધ્ય પ્રદેશ રાજકીય સંકટ : સિંધિયાની પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કૉંગ્રેસમાંથી હકાલપટ્ટી
 
જ્યારે રાજમાતાને રાહ જોવી પડી
 
બીબીસી સંવાદદાતા રજનીશ કુમાર સાથે વાત કરતાં મધ્ય પ્રદેશના વરિષ્ઠ પત્રકાર વિજયધર શ્રીદત્ત કહે છે, "રાજમાતા આ મુલાકાતમાં ચૂંટણી અને ટિકિટ વહેંચણીને લઈને વાત કરવા આવ્યાં હતાં."
 
"ડી. પી. મિશ્રાએ વિજયા રાજેને 10-15 મિનિટ રાહ જોવડાવી જે તેમની પર ભારે પડ્યું."
 
"રાજમાતાએ આ વાતનો એવો અર્થ કાઢ્યો કે મિશ્રાએ મહારાણીને તેમની ઓકાતનો અનુભવ કરાવ્યો છે."
 
"આ મુલાકાતમાં વિજયા રાજે સિંધિયાએ ગ્વાલિયરમાં વિદ્યાર્થી આંદોલનકારીઓ પર પોલીસના ગોળીબારનો મુદ્દો ઉઠાવ્યો."
 
"ત્યારબાદ સિંધિયાએ ગ્વાલિયરના એસપીને હઠાવવા ડી. પી. મિશ્રાને પત્ર લખ્યો, પરંતુ તેમની વાત માનવામાં ન આવી."
 
આ સંઘર્ષને કારણે સિંધિયાએ કૉંગ્રેસને અલવિદા કહ્યું અને જનસંઘની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યાં.
આ સાથે જ અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી પણ લડ્યાં અને જીત્યાં પણ ખરાં. 1967 સુધી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે જ થતી હતી.
 
ગ્વાલિયર કિલ્લો 
 
મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિજયા રાજે સિંધિયાના જવાથી કૉંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી. કૉંગ્રેસ પક્ષના 36 ધારાસભ્યો વિપક્ષમાં આવી ગયા અને મિશ્રાએ રાજીનામું આપવું પડ્યું. પ્રથમ વખત મધ્ય પ્રદેશમાં બિન-કૉંગ્રેસ સરકાર બની અને તેનું સમગ્ર શ્રેય રાજમાતા વિજયા રાજે સિંધિયાને ગયું. આ સરકારનું નામ રખાયું સંયુક્ત વિધાયક દળ. આ ગઠબંધનનાં નેતા પોતે વિજયા રાજે સિંધિયા બન્યાં અને મિશ્રાના સહયોગી ગોવિંદ નારાયણ સિંહ મુખ્ય મંત્રી બન્યા. આ ગઠબંધન બદલાના આધાર પર સામે આવ્યું હતું જે 20 મહિના સુધી ચાલ્યું.
 
ત્યારબાદ ગોવિંદ નારાયણ સિંહ ફરીથી કૉંગ્રેસમાં જતા રહ્યા. જોકે, આ રાજનૈતિક અસ્થિરતામાં જનસંઘ એક મજબૂત પક્ષ બનીને ઊભો થયો અને વિજયા રાજે સિંધિયાની છબી જનસંઘનાં મજબૂત નેતા તરીકે સામે આવી. વિજયા રાજે સિંધિયા 1971માં ઇંદિરા ગાંધીનો પ્રભાવ હોવા છતાં ત્રણ લોકસભા બેઠક જીતવામાં સફળ રહ્યાં. ભિંડથી તેઓ પોતે જીત્યાં, ગુનાથી માધવરાવ સિંધિયા અને ગ્વાલિયરથી અટલ બિહાર વાજપેયી. જોકે, માધવરાવ સિંધિયા પછીથી જનસંઘથી અલગ થઈ ગયા. કહેવાય છે કે જે રીતે વિજયા રાજે સિંધિયાને નહેરુ સમજાવવામાં સફળ રહ્યાં અને રાજમાતા કૉંગ્રેસમાં સામેલ થયાં, તેવી જ રીતે ઇંદિરા ગાંધી માધવરાવ સિંધિયાને સમજાવવામાં સફળ રહ્યાં અને તેઓ કૉંગ્રેસમાં સામેલ થયા.
 
કટોકટી દરમિયાન રાજમાતા સિંધિયા પણ જેલમાં ગયાં હતાં અને ઇંદિરા ગાંધી પ્રત્યે તેમનો ગુસ્સો ક્યારેય ઓછો થયો નહીં. આ જ કારણે તેમણે ઇંદિરા ગાંધી વિરુદ્ધ રાયબરેલીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું.
વિજયધર શ્રીદત્તે પોતાના પુસ્તક 'શહ ઔર માત'માં લખ્યું છે કે એક વખત વિજયા રાજે સિંધિયાએ આક્રોશમાં આવીને દેવી અહિલ્યાનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે તેમણે પોતાના કુપુત્રને હાથીના પગ નીચે કચડાવી દીધા હતા.
 
આ નિવેદન પર માધવરાવ સિંધિયાની પ્રતિક્રિયા માગી તો તેમણે કહ્યું કે તેઓ એક મા છે અને તેમને આવું કહેવાનો અધિકાર છે. આ પરિવાર માટે સૌથી દુખની ઘટના માધવરાવ સિંધિયાનું ઉત્તર પ્રદેશના મૈનપુર જિલ્લામાં વિમાન દુર્ઘટનામાં નિધન થવું હતી. માધવરાવ સિંધિયા રાજીવ ગાંધીના નજીક ગણાતા હતા. જે રીતે રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધીની નજીક જ્યોતિરાદિત્ય સિંધિયા મનાતા હતા. જોકે હવે તેઓએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
 
રાજમાતા સિંધિયાનું એ ધર્મસંકટ
 
પોતાનાં માતાની જેમ માધવરાવ સિંધિયા પણ ગુના લોકસભાથી 1977માં કૉંગ્રેસના સમર્થનથી અપક્ષ ચૂંટણી લડ્યા અને જીત્યા પણ. એ સમયે રાજમાતા માટે ધર્મસંકટની સ્થિતિ પેદા થઈ, જ્યારે 1984માં સામાન્ય ચૂંટણીમાં માધવરાવ સિંધિયાએ અટલ બિહારી વાજપેયી વિરુદ્ધ ગ્વાલિયર લોકસભા ક્ષેત્રથી ઉમેદવારી નોંધાવી. ગ્વાલિયરમાં જવાજીરાવ યુનિવર્સિટીના રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર એપીએસ ચૌહાણ કહે છે કે રાજમાતા નહોતા ઇચ્છતા કે માધવરાવ સિંધિયા વાજપેયી વિરુદ્ધ ચૂંટણી લડે. 
 
ચૌહાણ કહે છે, "રાજમાતાએ મન મારીને વાજપેયીનું કૅમ્પેન કર્યું પરંતુ દિલથી કોઈની પણ સાથે ના થઈ શક્યાં. આ ચૂંટણીમાં માધવરાવ સિંધિયા જીત્યા હતા."
 
વિજયા રાજે સિંધિયા ભાજપમાં પણ રહ્યાં અને 1989માં ગુના બેઠકથી જીત્યાં. ત્યારબાદ 1991, 1996 અને 1998માં અહીંથી ચૂંટણી જીતતા રહ્યાં. રામજન્મભૂમિ આંદોલનમાં પણ વિજયા રાજેની ભૂમિકા રહી હતી.
વિજયધર શ્રીદત્ત કહે છે કે રાજમાતાની ભૂમિકા ઉમા ભારતી અને અડવાણી જેવી નહોતી, પરંતુ તેઓ કારસેવકોનું સ્વાગત કરતાં હતાં. 1999માં તેઓ સક્રિય રાજનીતિમાંથી ખસી ગયાં અને 2001માં તેમનું નિધન થયું.
 
કહેવાય છે કે સિંધિયા પરિવાર ક્યારેય ચૂંટણી નથી હારતો, પરંતુ વિજયા રાજે સિંધિયા 1980માં ઇંદિરા ગાંધી વિરુદ્ધ ચૂંટણી હાર્યાં હતાં અને વસુંધરા રાજે સિંધિયા પણ ભિંડથી 1984માં ચૂંટણી હાર્યાં છે.
મધ્ય પ્રદેશમાં ભાજપ અને સંઘના મૂળ જમાવવામાં આ પરિવારનો મહત્ત્વનો ફાળો છે. જીવાજીરાવનો હિંદુ મહાસભા સાથેનો સંબંધ પણ આ પરિવારને અસહજ કરે છે, કારણ કે ગાંધીની હત્યાનો આરોપ હિંદુ મહાસભા પર જ લાગ્યો હતો.
 
ભાજપ અને સંઘના આ પરિવાર સાથે આટલા ગાઢ સંબધ હોવા છતાં ભાજપના નેતા આ પરિવાર પર હુમલો કરવાની કોઈ તક નથી છોડતા. એક સમય હતો જ્યારે આ પરિવાર ગ્વાલિયર વિસ્તારની ઓછામાં ઓછી 50 વિધાનસભા બેઠકો પર હાર-જીત નક્કી કરતો હતો.