શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (10:23 IST)

જામનગર ઝૂમાં 1000 મગર આવશે : મદ્રાસ હાઈકોર્ટની મંજુરી

જામનગરમાં રિલાયન્સનાં સહયોગ સાથે નિર્માણ પામી રહેલા વિશાળ ઝૂમાં 1000 મગરમચ્છને ટ્રાન્સફર કરવા મદ્રાસ હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે અને પ્રાણીઓ કોઇની વ્યક્તિગત નહીં પરંતુ રાષ્ટ્રીય સંપતિ હોવાની ટકોર કરી છે.તામીલનાડુના ઓમાલાપુરમના મદ્રાસ ક્રોકોડાઈલ બેન્ક ટ્રસ્ટમાંથી 1000 મગરમચ્છ જામનગરના ગ્રીન ઝૂલોજીકલ રેસ્ક્યુ એન્ડ રીહેબીલીટેશન સેન્ટરમાં ટ્રાન્સફર થશે. તામીલનાડુ સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ અગાઉ જ મંજુરી આપી દીધી હતી પરંતુ જેને મદ્રાસ હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. અદાલતે પણ આ નિર્ણયને મહોર મારી છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટીસ એમ.એન. ભંડારી અને જસ્ટીસ એન. માલાની બેંચે મગરમચ્છ ટ્રાન્સફર કરવા સામેની અરજી ફગાવી દેતા ચુકાદામાં જણાવ્યું હતું કે જામનગર ઝૂમાં તમામ સુવિધા સંતોષકારક હોવાના નિષ્ણાંતોના અભિપ્રાય પછી આ મામલામાં અદાલત દરમિયાનગીરી કરવા માંગતી નથી. નિષ્ણાંતોના અભિપ્રાયની વિરુધ્ધ અરજદારે કોઇ દસ્તાવેજો પણ પેશ કર્યા નથી.સર્વોચ્ચ અદાલતે એવું સ્પષ્ટ કરેલું જ છે કે, આ પ્રકારના મુદ્દાઓમાં અદાલતનું વલણ ઇકો-કેન્દ્રીત હોવું જોઇએ. અદાલત માનવ અને પ્રાણી બંનેના રક્ષણની વિચારણા કરે છે. વન્ય પ્રાણીઓ કેન્દ્ર કે રાજ્ય સરકાર અથવા કોઇ સંસ્થા કે વ્યક્તિગત સંપતિ નથી. તે રાષ્ટ્રની સંપતિ છે અને તેના પર કોઇ માલિકી જતાવી શકતું નથી.મદ્રાસ ક્રોકોડાઈલ બેન્ક ટ્રસ્ટ દ્વારા મોટી સંખ્યામાં મગરોની જાળવણી કરવા નાણાકીય ફંડ હોવાનું જણાવાયું છે. એટલે જામનગરમાં ઉપલબ્ધ સુવિધામાં 1000 મગરને ટ્રાન્સફર કરવામાં કોઇ વાંધો ન હોઇ શકે. જામનગર ઝૂની તસવીરો પણ પેશ કરવામાં આવી છે. જેમાં પૂરતી સુવિધા હોવાનું સાબિત થાય છે.