બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 જૂન 2021 (15:46 IST)

દક્ષિણ ગુજરાત જળબંબાકાર, બારડોલી-મહુવામાં 4 ઇંચ, સુરત, પલસાણા અને ચોર્યાસીમાં 3 ઇંચ વરસાદ

સુરત શહેર જિલ્લામાં રાત્રે મઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીમાં બારડોલી-મહુવામાં 4, સુરત, પલસાણા અને ચોર્યાસીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાંં હતાં. બારડોલીમાં ધોધમાર વરસેલા વરસાદમાં આશાપુરા માતા મંદિર વિસ્તાર તેમજ ભરવાડ વસાહત વિસ્તારના માર્ગો પર પાણી ભરાયાં હતાં, જ્યારે સુરત શહેરમાં માનદરવાજા, સહારા દરવાજા સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. આ સાથે સહારા દરવાજા ગરનાળામાં ભરાયેલા પાણીમાં બે પિકઅપ વાન ફસાઈ જતાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં સુરત જિલ્લાના પલસાણામાં ધોધમાર 6 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે 24 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતા.

આ સાથે બારડોલીમાં પણ 24 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે 6 કલાકમાં જ 4 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરત ફાયર વિભાગે જણાવ્યું હતું કે સુરતમાં રાત્રે પડેલા ભારે વરસાદને લઈ સહારા દરવાજા ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં, જેમાં બે મહિન્દ્રા પિકઅપ વાન ફસાઈ હોવાના કોલ બાદ ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં ગરનાળાની અંદર પિકઅપ વાનના ચાલક પણ ફસાયા હતા. જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટોઈંગ કરી બન્ને ભારી વાહનો ગરનાળામાંથી બહાર કઢાયાં હતાં. બારડોલી જિલ્લામાં ચોમાસું બેસી જતાં ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણીના કામમાં જોતરાવાની સાથે આનંદની લાગણી વ્યક્ત કરી છે અને સારા ચોમાસાની આશા સેવી બેઠા છે તો બીજી તરફ જિલ્લામાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. ધોધમાર વરસેલા વરસાદમાં બારડોલી નગરના આશાપુરા માતા મંદિર વિસ્તાર તેમજ ભરવાડ વસાહત વિસ્તારના માર્ગો પર પાણી ભરાયાં હતાં.સુરત જિલ્લાના દરેક તાલુકામાં વધતો ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે મહુવા, પલસાણા, બારડોલી અને ચોર્યાસી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરાવાની સાથે તાલુકાનાં ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો છે અને ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે તો ધોધમાર વરસી રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.