બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 મે 2021 (10:19 IST)

માંગણીઓ ન સંતોષવામાં આવતાં ગુજરાતની 8 GMERS કોલેજના 700 તબીબો હડતાળ પર ઉતરશે

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ હાહાકાશ મચાવ્યો છે, ત્યારે અમદાવાદમાં ગુજરાત ટીચર્સ મેડિકલ એસોસિએશનની હડતાળ પર ઉતર્યા છે. રાજ્યની 8 GMERS કોલેજના 700 તબીબો આજે બપોરે 12 વાગે હડતાળમાં જોડાશે. પોતાની અલગ અલગ માંગણીઓ સાથે હડતાળ પર ઉતરશે. 
 
પ્રોવિડન્ટ ફંડ, સાતમા પગારપંચનું એરિયર્સ, કોવિડ ડ્યુટી બદલ પ્રોત્સાહનરૂપે અન્ય તબીબોને આપવામાં આવેલા 25,000 રૂપિયા કે જે GMERS સાથે સંકળાયેલા તબીબોને આપવામાં આવ્યા ન હોવાથી તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. GMERS ના 1700 નર્સિંગ સ્ટાફ સાથે 700 જેટલા તબીબો પણ સરકાર સામે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. 
 
GMERS ના 700 જેટલા તબીબો ગઈકાલે નોન કોવિડ ડ્યુટીથી અળગા રહ્યા હતા. સરકાર માગણીઓ ના સ્વીકારે તો હવે કોવિડ ડ્યુટીથી પણ અળગા રહેવાની ચિમકી ઉચ્ચારે છે. લાંબા સમયથી પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા ડોક્ટરોએ પ્રતિક ઉપવાસનો સહારો લીધો છે.
 
અગાઉ સરકાર સાથે થયેલી બેઠકમાં માગણીઓ અંગે હકારાત્મક પ્રતિસાદ મળતા ટીચર્સ એસોસિયેશને પ્રતીક ઉપવાસ સ્થગિત કર્યા હતા. જો કે સરકાર તરફથી આપાયેલી બાંહેધરીઓ નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ ના થતા ફરી એકવાર પ્રતીક ઉપવાસનો સહારો લીધો છે. સરકાર સાથે 7 મે ના રોજ યોજાયેલી બેઠકમાં બે દિવસમાં માગણીઓ અંગે હકારાત્મક ઉકેલ લાવવા માટે તબીબોને બાંહેધરી આપવામાં આવી હતી. 
 
અમદાવાદ ખાતે આવેલી બીજે મેડિકલ કોલેજના ડોક્ટરો પણ આ હડતાલમાં જોડાશે. આજે બપોરે બીજે મેડિકલ કોલેજ ખાતે બેઠક મળશે. જો સરકાર તરફથી યોગ્ય નિરાકરણ નહીં આપવામાં આવે તો ડોક્ટરો હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં બરોડા મેડિકલ કોલેજના ૩૦૦ જેટલા અધ્યાપકોએ પોતાની પડતર માંગણીઓની સરકાર દ્વારા થઈ રહેલી ઉપેક્ષાના પગલે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે. બરોડા મેડિકલ કોલેજના અધ્યાપકોની એક બેઠક બોલાવાઈ હતી. ગુજરાત સરકાર સરકારની મેડિકલ કોલેજોમાં ભણાવતા ૧૭૦૦ જેટલા અધ્યાપકોને સાતમા પગાર પંચ પ્રમાણે નોન પ્રેક્ટિસ એલાઉન્સ આપવા માટે હાલમાં તૈયાર નથી.બીજી તરફ અધ્યાપકોને ડિપાર્મેન્ટમાં બઢતી તેમજ કેરિયર એડવાન્સમેન્ટ પ્રમોશન સ્કીમનો પણ લાભ મળી રહ્યો નથી.સરકારને આ બાબતે સંખ્યાબંધ વખત ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન રજૂઆત કરી ચુક્યુ છે.