1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (14:41 IST)

અમદાવાદની યુવતીને મોબાઈલમાં એક લિંક ક્લિક કરવી ભારે પડી, જાણો પછી શું થયું

mobile call
મોબાઈલ પર ઓનલાઈન લોન માટેની અનેક જાહેરાતો આવતી હોય છે. આ જાહેરાતો ખાસ કરીને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વધુ પ્રમાણમાં જોવાતી હોય છે. ત્યારે અમદાવાદની એક યુવતીને ઈન્સ્ટાગ્રામ પર આવેલી લોન માટેની લિંક ક્લીક કરવી ભારે પડી ગઈ છે. લોન લીધી નહીં હોવા છતાં તેને 2800 રૂપિયાની લોન ભરવાનું કહેવામાં આવ્યું અને યુવતીએ ના પાડતાં તેના બિભત્સ ફોટા પરિવારના સભ્યોને મોકલી દેવામાં આવ્યા હતાં.

યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વાડજમાં રહેતી યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ યુવતીએ સાયબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે નોકરી પર હાજર હતી તે વખતે તેના ઈન્સ્ટાગ્રામ આઈડી પર મની લેન્ડ લોન નામની એપ્લિકેશનની જાહેરાત આવી હતી. આ યુવતીએ જાહેરાતને ક્લીક કરતાં તેમાં એક ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું હતું. યુવતીએ ફોર્મ ભરીને તેના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતાં અને ત્યાર બાદ તેને અલગ અલગ રકમની લોનના પ્રકારો દર્શાવ્યા હતાં. આ યુવતીને માત્ર 2800 રૂપિયાની લોન મળતી હોવાનું જણાતા તેણે આગળ કોઈ પ્રોસેસ કરી નહોતી. આ યુવતીને બે દિવસ બાદ એક મેસેજ આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે, તમે 2800 રૂપિયાની લોન લીધી છે અને તેની ચૂકવણી કરી નથી. આ યુવતીએ લોન લીધી નહીં હોવાથી તેણે રકમ ભરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેના વોટ્સએપ પર તેના ફોટાને બિભત્સ રીતે મોર્ફ કરીને મોકલી આપ્યા હતાં તે છતાંય યુવતીએ પૈસા ભરવાની ના પાડતાં તેના મિત્રો અને પરિવારજનોને ફોટો મોકલવામાં આવ્યા હતાં. આટલેથી નહીં અટકતાં તેની સાથે સગાઈ કરનારને પણ આ ફોટો મોકલવામાં આવ્યા હતાં. ત્યાર બાદ યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.