મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 10 મે 2023 (13:44 IST)

અમદાવાદની યુવતીને મિસ પ્રિન્સેસ ઓફ વર્લ્ડની સ્પર્ધામાં જવાનું ભારે પડ્યું, યુવકે 1.80 લાખની ઠગાઈ આચરી

miss princess
યુવતીએ ઈવેન્ટ માટેની કંપનીમાં ફોન કરતાં જ આવી કોઈ ઈવેન્ટ નહીં હોવાની માહિતી મળી
યુવતીએ યુવક પાસે પૈસા પાછા માંગતાં યુવકે પરત નહીં કર્યા જેથી યુવતીએ સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી
 
આજના ડિજિટલ યુગમાં છેતરપિંડીના બનાવોમાં વધારો થયો છે. કોઈપણ પ્રકારે લોકોને છેતરનારા ઠગો હવે સક્રિય થઈ ગયાં છે. લાલચમાં ફસાઈને પૈસા ખોઈ બેસતા લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક યુવતીને મિસ પ્રિન્સેસ ઓફ વર્લ્ડ બનવાનું સપનું ભારે પડ્યું છે. આ યુવતીએ સ્પેનમાં યોજાનાર સ્પર્ધા માટે એક લાખ 92 હજાર રૂપિયા ભર્યા હતાં. પરંતુ આ ઈવેન્ટની તપાસ કરતાં માહિતી મળી હતી કે આવી કોઈ ઈવેન્ટ યોજાવાની જ નથી. જેથી યુવતીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 
 
યુવતીએ ઈવેન્ટ માટે એક લાખથી વધુની રકમ આપી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં મકરબા વિસ્તારમાં ભાડના મકાનમાં રહેતી યુવતી ઘરે બેઠા ફાઈનાન્સનો વેપાર ધંધો કરતી હતી. ત્યાર બાદ તે પ્રિન્સેસ ઓફ ધ વર્લ્ડમાં ભાગ લેવા માટેની તૈયારીઓ કરતી હતી. તેણે અગાઉ ગાઝિયાબાદની એક કંપની મારફતે મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. આ કંપનીના ઈશાંક છાબરા નામના વ્યક્તિને યુવતી ઓળખતી હતી. જેથી આ ઈશાંક છાબરાએ આ યુવતીને કોલ કરીને નવેમ્બર 2022માં મિસ પ્રિન્સેસ ઓફ ધ વર્લ્ડની સ્પર્ધા સ્પેનમાં યોજાવાની છે જો ભાગ લેવો હોય તો પૈસા ભરવા પડશે. જેથી આ યુવતીએ તૈયારી બતાવીને ઈશાંક છાબરાને 1 લાખ 92 હજાર 445 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. 
 
યુવતીને આવી કોઈ ઈવેન્ટ નહીં હોવાની માહિતી મળી
ત્યાર બાદ આ યુવતી ઈશાંક છાબરાને દિલ્હીની એક હોટેલમાં મળી હતી. તે વખતે તેણે 78 હજાર રૂપિયા રોકડા આપ્યા હતાં. આ સમયે ઈશાંકે યુવતીને તૈયારીઓ શરૂ કરી દેવા જણાવ્યું હતું. ત્યાર બાદ ઈશાંકે સ્પર્ધાની તારીખોમાં ફેરફાર થયો છે એમ કહીને વાયદાઓ બતાવવાના શરૂ કર્યા હતાં. જેથી યુવતીએ ઓનલાઈન ઈવેન્ટ માટેનો નંબર મેળવીને પુછ્યું તો ત્યાંથી સમાચાર મળ્યા હતાં કે આવી કોઈ ઈવેન્ટ યોજાવાની નથી. હજી ઓક્ટોબર 2023માં યોજાશે તેવી વિચારણાઓ ચાલી રહી છે. જેથી યુવતીએ ઈશાંક છાબરાને પૈસા પાછા આપવા માટે કહ્યું હતું પરંતુ ઈશાંકે તેને માત્ર 15 હજાર રૂપિયા જ પાછા આપ્યા હતાં. આ યુવતીએ ઈશાંકને 1 લાખ 77 હજાર રૂપિયા વારંવાર પાછા આપવાનું કહેતાં તેણે પાછા આપ્યા નહોતા. જેથી યુવતીએ ઈશાંક છાબરા નામના વ્યક્તિ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.