અમદાવાદના ખોખરામાં ફ્લેટમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી વિકરાળ આગ, ત્રણનો આબાદ બચાવ
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે.બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ આગતાં સમગ્ર ફ્લેટમાં અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.
આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. પરંતું એક વૃદ્ધ દાઝી ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. અન્ય ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં હેબ્રોન ફ્લેટના એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં વિકરાળ આગ લાગી હતી. બ્લાસ્ટ થયા બાદ સમગ્ર ફ્લેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેતાં ફ્લેટના રહિશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં એક વૃદ્ધ દાઝ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. બ્લાસ્ટને કારણે આગ લાગતાં ઘરમાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.